દેવલ જાદવ (મેરાન્યૂઝ.સુરત): ગુજરાતમાં ભ્રષ્ટાચારી દિવસેને દિવસે વધી રહી છે. કોઈ પણ સરકારી ઓફિસમાં તમારે કામ કરાવવું હોય તો તેના માટે લાંચ આપવી જરૂરી બની ગઈ છે. એવામાં ગુજરાત ACB દ્વારા આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં તાપીના વ્યારામાં પણ એક પીઆઇ અને પીએસઆઈને ૫૦૦૦૦ લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ પકડવા આવ્યા છે.

ફરિયાદીના ઓળખીતા બહેન વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરિયાદ રદ કરાવવા માટે ફરિયાદીએ હાઈકોર્ટમાં કવોશિંગની અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતીક એમ. અમીનને અભિપ્રાય જણાવ્યું હતું. જે કરવા માટે આરોપીએ પોલીસ ઇન્સ્પેકટર પ્રવીણકુમાર જીવરાજભાઈ મકવાણા સાથે મળીને ૧,૦૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

લાંચના ૧,૦૦,૦૦૦ રૂપિયા પૈકી ૫૦,૦૦૦ રૂપિયા અત્યારે અને બીજા એક અઠવાડિયા પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું. પણ ફરિયાદીને લાંચ ન આપવી હોવાને કારણે તેમણે ACBમાં આ અંગે જાણ કરી હતી. આ ફરિયાદ અંતર્ગત ACB નવસારીના પોલીસ ઇન્સ્પેકટર એન. કે. કામળીયા અને તેમની ટીમ દ્વારા છટકું ગોઠવીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ACB દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.