મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ/મોડાસાઃ લાંચ લઈને બે નંબરી આવક કરનારા કેટલાક પોલીસ કર્મીઓ સમસ્ત પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કલંક રુપી બની જાય છે. જ્યારે એક પોલીસ કર્મી લાંચ લે છે ત્યારે તે લોકોના મનમાં સમસ્ત ડિપાર્ટમેન્ટ લાંચિયું હોય તેવી અજાણતાં છાપ ઊભી કરતો જાય છે. જેને કારણે જે પોલીસ કર્મી ખરેખર માન સન્માનના લાયક છે તેઓ પણ તે માન સન્માનને બદલે અપમાન કરતા શબ્દો સાંભળતા હોય છે. જે તેમના માટે અત્યંત દુઃખદ હોય છે. અમદાવાદ અને મહેસાણામાં એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા બે પોલીસ કર્મીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ એસીબીએ અગાઉના એક ગુનામાં પકડાયેલા ખેડાના બે આરોપીઓના 14મી તારીખ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે. મેહસાણામાં પણ એસીબીના હાથથી ભાગતા ફરતા એક શખ્સની હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામંજુર કરી છે.

જેમાં અમદાવાદની ઘટનામાં નિકોલ વિસ્તારમાં અંબિકા નગર ખાતે રહેતા અને અનાર્મ હેડ કોન્સટેબલ તરીકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોક ચેલાભાઈ પટણી નામના પોલીસ કર્મીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. 43 વર્ષીય આ પોલીસ કોન્સટેબલ દ્વારા એક વ્યક્તિના મિત્રનો આઈસીઆઈસીઆઈ બેન્ક લોનનો ચેક બાઉન્સ જતાં તે કેસમાં વોરંટ હતું. આ વોરંટ અંગે બેન્કમાં સેટલમેન્ટ કરવા અને વોરંટની બજવણી કરવામાં સમય આપવા માટે વ્યવહાર કરવો પડશે તેવું કહ્યું હતું. આ વ્યવહાર પેટે તેણે રૂ. 12,000ની માગ કરી હતી પણ ભાવતાલ થતાં થતાં આખરે 5000 રૂપિયા આપવાના નક્કી થયા હતા.

જે અંગે તેણે લાંચ આપવા માટે વ્યક્તિને ઓઢવ ખાતેના વિરાટ નગર મેઈન રોડ પર આવેલી જય માતાજી મોબાઈલ શોપ પાસે બોલાવ્યો હતો. ત્યાં તેણે જેવી 5 હજારની લાંચ લીધી કે એસીબીની એન્ટ્રી પડી. એસીબીની એન્ટ્રીથી રીતસર અશોક પટણીના પગ ઢીલા થવા લાગ્યા હતા. એસીબીએ લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત મહેસાણા પોલીસનો કર્મચારી સાંજે લાંચ લેતા ઝડપાઇ જતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. એક કેસના સંદર્ભમાં મારઝૂડ નહીં કરવા સામે સોદો પાડ્યો હતો. જેમાં ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છુક ન હોઇ મહેસાણા એસીબીને ફરિયાદ કરી હતી. જેથી એસીબી ટીમે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકથી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયો હતો. 

મહેસાણા શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક સફળ એસીબી ટ્રેપ થઇ હોવાનું સામે આવ્યું છે. એક કેસમાં વ્યક્તિને થોડાક દિવસ પહેલા તેઓના પાડોશી સાથે ઝઘડો થયો હતો. જેની અરજીની તપાસ આક્ષેપિત કરી રહ્યા હતા અને આ કામે સી.આર.પી.સી. 151ના અટકાયતી પગલાં લેવાના હતા. જેમાં મારઝૂડ ના કરવા માટે કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ભીખાભાઇ સોનારાએ રૂ.10,000ની માંગણી કરી હતી. 

જેમાં ફરિયાદી લાંચના નાણાં આપવા ન ઇચ્છતા હોઇ મહેસાણા એસીબીને ફરીયાદ કરી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા એસીબીના પો.ઇન્સ. બી.કે.ચૌધરી અને એસીબીના નાયબ નિયામક એ.કે.પરમારે છટકુ ગોઠવી સરોવર પોલીસ ચોકી, એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, મહેસાણા શહેરથી લાંચની રકમ સ્વિકારતા કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો. ટુંકાગાળામાં એસીબીની બીજી સફળ ટ્રેપને પગલે મહેસાણા જીલ્લા કર્મચારી આલમમાં અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ સાથે ખેડા એસીબી પોલીસ સ્ટેશનમાં થયેલા અગાઉના ગુનામાં આરોપી નં.૧  મનુભાઈ પાઉલભાઇ, એએસઆઇ કઠલાલ પો.સ્ટે. જીલ્લો ખેડા તથા આરોપી ન. ૨ ઇમરાન ઉસ્માન, ખાનગી વ્યક્તી જીલ્લો ખેડા. બંનેને સેશન્સ કોર્ટ નડિયાદ ખાતે આજે રજુ કરાયા હતા. જેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવી હતી. તા. ૧૪/૧૦/૨૦૧૯ ના ક. ૧૧/૦૦ વાગયા સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. જ્યારે મહેસાણા એ.સી.બીના નાસતા ફરતા આરોપી સોનુકુમાર મોર્ય સીનીયર સેકશન એનજીનીયરની ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે દાખલ કરેલી આગોતરા જામીન અરજી જજ એ.વાય કોગજેની કોર્ટેમાં ચાલી જતા આજે તા.૧૦/૧૦/૨૦૧૯ ના રોજ નામંજુર કરી છે.