રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાવનગર જિલ્લાના; હવે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું મારું ગામ માલપરા. ગામની ચારે તરફની સીમમાં 1971 સુધી ગાંડો બાવળ ન હતો. ગુંદાળા ગામ તરફના રોડ ઉપર એક ઊંચો ગાંડો બાવળ હતો. એના સોનેરી પડિયાનો ગળહટો સ્વાદ હજુ યાદ છે. પથ્થર મારીને પડિયા પાડતા; પડિયા જ અમારી મીઠાઈ હતી. આજે ગામની ચારેય તરફની સીમમાં ગાંડા બાવળનો દબદબો છે. વાડી, ખેતરના શેઢે ગાંડો બાવળ એવો જામી ગયો છે કે એને કાઢવો મુશ્કેલ બન્યો છે. ગાંડા બાવળ વકરી ગયા છે; એનું કારણ ગામડામાં રાંધણ ગેસના બાટલા પહોંચી ગયા હોવાથી બળતણ તરીકે તેનો ઉપયોગ બંધ થયો છે; એટલે તેને કોઈ કાપતું નથી. ઓછા પાણીએ અને બિલકુલ રક્ષણ વિના ઝડપથી ઉગે છે; તેને કાપ્યા પછી બહુ જ ઝડપથી વધે છે. તે હઠીલો છે; JCB સિવાય કોઈને ગાંઠતો નથી.

ગાંડા બાવળનું [પ્રોસોપિસ જુલિફ્લોરા- Prosopis Juliflora] મૂળ વતન દક્ષિણ અમેરિકા. અંગ્રેજ કર્નલ બોડમે 1857માં તેને ભારત લઈ આવેલા. દરિયાની ખારાશ અને રણને આગળ વધતું અટકાવવા માટે તેનું બિયારણ અહીં લાવવામાં આવેલું. હવે આખા દેશમાં તેની હાજરી છે. રણકાંઠા વિસ્તારમાં વિમાનથી આ બાવળનાં બીજનો છંટકાવ કર્યો ત્યારથી તેણે રાક્ષસી રુપ ધારણ કર્યું છે. ગાંડો બાવળ સારી કે નબળી જમીનમાં સહેલાઈથી ઊગી નીકળે છે; તેથી રણકાંઠાના વિસ્તારોમાં રણને આગળ વધતું અટકાવે છે. આ બાવળ પર્યાવરણનું રક્ષણ કરે છે. ગાંડા બાવળના ઝૂંડ તો નીલગાય, શિયાળ, સસલાં, જંગલી ગધેડાં, મોર, તેતર, નોળિયા વગેરેનું રહેઠાણ છે. પક્ષીઓનું નિવાસસ્થાન છે. રણકાંઠામાં જ્યાં કમાવવા માટે બીજા કોઈ વિકલ્પ નથી; ત્યાં ગરીબ લોકો આ બાવળના કોલસા બનાવી પેટિયું રળે છે. તેનો ગુંદર વેચીને ઘણા ગુજરાન ચલાવે છે. ગાંડો બાવળ ઘાસિયા મેદાનમાં છવાઈ જતાં ઘાસને ઊગવા દેતું નથી. બન્નીના ઘાસિયા પ્રદેશમાં આ બાવળને દૂર કરવા સરકાર હવે ખર્ચ કરી રહી છે ! માનીતા ઉદ્યોગપતિઓની જેમ; ગાંડો બાવળ ગૌચરને હડપ કરી રહ્યો છે. વગર પ્રયત્ને આડેધડ ઊગતા ગાંડા બાવળને રોકવો મુશ્કેલ છે.

ગામથી દૂર 3 કિલોમીટર મારી વાડી છે; નામ છે નાગવાળું. ભજનિક નારાયણ  સ્વામિના પૂર્વજ નાગદાન ગઢવી પાસેથી અમારા દાદાએ આ વાડી ખરીદેલી હતી. બાજુમાં સરકારી પડતર ખરાબો છે. એમાં ગાંડા બાવળનું જંગલ જામ્યું છે. અહીં 1971 પહેલા એક પણ ગાંડો બાવળ ન હતો; માત્ર ખીજડાના બે-ત્રણ ઝાડ હતા. આજે અસંખ્ય લીમડા, ખીજડા, હરમી, બાવળ, ઈંગોરિયા, તલબાવળ, કેરડાં, બોરડી વગેરેના ઝાડ છે. આવળના પીળા ફૂલો; આંકડાના સફેદ-જામ્બલી ફૂલો વગડાને શોભાવે છે. આ બધાંની વચ્ચે લીલાછમ્મ ગાંડા બાવળનો રોફ કંઈક અલગ લાગે છે ! સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જ્યાં હવા જઈ ન શકે તેવાં પ્રત્યેક ગાંડા બાવળના ઝૂંડમાં, વચ્ચે લીમડાના ઝાડ ઊગી નીકળ્યા છે ! ગાંડા બાવળના થડ વચ્ચે તંદુરસ્ત લીમડો ! આના ત્રણ કારણ છે; એક, ગાંડા બાવળના કાંટાઓ વચ્ચે લીમડાને સુરક્ષા મળે છે. બીજું, લીમડાને ચોટીમૂળ હોય છે; જ્યારે ગાંડા બાવળને આડા મૂળ હોય છે; બન્ને અલગ અલગ જગ્યાએથી ખોરાક લે છે. ત્રીજું, ગાંડા બાવળના કારણે ભેજનું પ્રમાણ જળવાઈ છે, જે લીમડા માટે ટોનિકનું કામ કરે છે.

ગાંડા બાવળના કારણે ઉનાળો [એપ્રિલ- 2020] લીલોછમ્મ લાગે છે. મને તો ગાંડો બાવળ ડાહ્યો લાગે છે ! દર વર્ષે ગામ કરતા વાડી તરફ પાંચ ઈંચ વધુ વરસાદ પડે છે. ગાંડા બાવળને ગાંડો કહેનારા ખરેખર ગાંડા હશે?