દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજુ થોડા મહિના અગાઉ જ્યારે કોરોનાની ભીંસ હતી ત્યારે સૌ કોઈ એવું અનુભવી રહ્યા હતા કે આપણે ત્યાં સ્વાસ્થ અંગે જોઈએ એવું ધ્યાન આપવામાં આવ્યું નથી. શિક્ષણને લઈને પણ રાજ્યની સ્થિતિ સારી નથી. પરંતુ જેવી કોરોનાની ભીંસમાંથી મુક્તિ મળી રહી છે તેમ-તેમ સરકાર ફરી પેન્ડિગ પ્રોજેક્ટને ગતિ આપવા લાગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવાં જ એક પ્રોજેક્ટ થકી સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝની સેવા શરૂ કરી રહ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ આવેલા હિસ્સામાં આ ક્રૂઝ 21 જાન્યુઆરીથી ચાલતી જોવા મળશે. આ જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ટ્વિટર પર કરવામાં આવી છે.

આ ક્રૂઝ સાથે રિવરફ્રન્ટ પર સ્પીડ બોટ અને જેટ સ્કી જેવી વોટર રાઇડ્સ પણ શરૂ થવા જઈ રહી છે. આ સાથે બાળકો માટે પેડલ સાઇકલ પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના લોકોને શરૂ થઈ રહેલી આ સેવા માટે ઉત્સાહ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. ક્રૂઝ બોટ 60 પ્રવાસીની ક્ષમતા ધરાવ છે. ક્રૂઝ સ્પેનથી મંગાવવામાં આવી છે અને તે ફુલ્લી એસીની સગવડ ધરાવે છે. પ્રવાસીઓની સેફ્ટી માટે ક્રૂઝમાં દરેકને લાઇફ જેકેટ પહેરાવવામાં આવશે. કોરોના છે ત્યાં સુધી તેના નિયમો પાળવવાની પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. ક્રૂઝની ટીકીટ પણ ત્યાં ઊભા કરવામાં આવેલા ટિકિટ કાઉન્ટર પરથી મેળવી શકાશે.

આ પ્રકારની ક્રૂઝની સેવા ગુજરાતમાં પ્રથમવાર શરૂ થઈ છે. અમદાવાદના રહેવાસીઓ માટે આ ખુશીના સમાચાર છે. પરંતુ અહીં એટલું વિચારવાનું છે કે, કોરોના કે અન્ય કોઈ કટોકટીના સમયે પાયાની સુવિધાની ગેરહાજરી હોય ત્યારે મોજશોખ માટે આવી સગવડ ઊભી કરવાનું કેટલું યોગ્ય છે?