મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડને અંજામ આપીને એન્ટિગુઆમાં બેસી ગયેલો હિરાનો વેપારી મેહુલ ચોક્સી દ્વારા હવે ભારતિય નાગરિક્તાને પણ છોડી દેવામાં આવી છે. ચોક્સીએ સોમવારે પોતાનો ભારતીય પાસપોર્ટ સરંડર કરી દીધો છે. ચોક્સીએ એન્ટિગુઆ હાઈ કમિશનમાં પાસપોર્ટ જમા કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્કમાં 14 હજાર કરોડનું ફૂલેકુ ફેરવી ગયો છે. કૌભાડ પરથી પડદો ઉઠે તે પહેલા જ જાન્યુઆરીમાં જ દેશ છોડી ને રફ્ફૂચક્કર થઈ ગયો હતો. આ કેસમાં તેનો ભાણો નીરવ મોદી પણ આરોપી છે.

નાગરિક્તા છોડવા માટે ચોક્સીએ 177 યૂએસ ડોલરનો ડ્રાફ્ટ જમા કરાવવો પડ્યો છે. ચોક્સીએ હાઈ કમિશનને કહ્યું કે તેણે નિયમો અંતર્ગત એન્ટિગુઆની નાગરિક્તા લઈ લીધી છે અને ભારતની નાગરિક્તા છોડી દીધી છે.
ચોક્સીના પ્રત્યાર્પણમાં લાગેલી સરકાર માટે આ એક મોટો ઝટકો છે. ગત સુનાવણીમાં ચોક્સીએ કોર્ટમાં પોતાની તબીયતનો હવાલો આપને કહ્યું હતું કે ફ્લાઈટમાં 41 કલાકનો પ્રવાસ કરીને તે ભારત આવી શકશે નહીં. ચોક્સીને ભાગેડૂ આર્થિક આરોપી જાહેર કરાવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) સ્પેશ્યલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા ફાઈલ કરવાની અરજીના જવાબમાં વાત કહી હતી.