મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અને રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની તબીયત કોરોના સંક્રમણને લીધે વધુ ગંભીર થતા આજે તાબડતોબ અમદાવાદના સ્પેશ્યિલ રોગ નિષ્ણાંત તબીબોની ટીમ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ પહોંચી પીડીયુ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હાલ સુરતથી પણ એક તજજ્ઞ તબીબોની ટીમ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ ગમે ત્યારે પહોંચે તેવી શક્યતા છે. આ તબીબોએ અભયભાઈ ભારદ્વાજના ફેંફસામા ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડનુ સંતુલિત રહેતુ ન હોવાથી લોહી ગંઠાઈ રહ્યા હોવાનું નિદાન થયું છે. 

ચેપીરોગના નિષ્ણાંત ડો. અતુલ પટેલે રાજકોટ હવાઈ મથકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જરૂર પડ્યે તેઓને એક્મો મશીનની મદદથી ઓક્સીજનનુ પ્રમાણ સંતુલિત થાય તે માટે સારવાર આપવામા આવશે. આ મશીન રાજકોટમાં ઉપલબ્ધ છે. અમદાવાદના ડોક્ટર્સની ટીમની સાથે રાજકોટના ડો. ચિરાગ માત્રાવાડીયા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. ધિરેન તન્નાએ અભય ભારદ્વાજને અપાઈ રહેલી સારવાર અંગે પરામર્શ કર્યો હતો. સુરતના પણ નિષ્ણાંત તબીબ ડો. સમીર ગામી ભારદ્વાજની સારવાર માટે રાજકોટ આવી રહ્યા હોવાની વિગતો મળી છે. ભારદ્વાજની હાલત અતિગંભીર થઈ જતાં તબીબોની રાજકોટ ભણી દોડાદોડ ચાલુ થઈ છે. ડો. સમીર કોરોના દરમિયાન ફેફસાની ગંભીર સ્થિતિ દરમિયાન કેટલાય દર્દીઓને સારવાર આપી ચુક્યા છે.

હવાઈ માર્ગે રાજકોટના પ્રભારી મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા અને તબીબોની ટીમ જેમાં ચેપીરોગના ખાસ નિષ્ણાંત ડો. અતુલ પટેલ, ફેંફસાના રોગના નિષ્ણાંત ડો. તુષાર પટેલ અને હ્રદયરોગના નિષ્ણાંત ડો. આનંદ શુક્લાએ રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં સાંસદ અભય ભારદ્વાજની તબીયત અંગે વિશેષ તપાસ કરી જરૂરી સારવાર શરૂ કરાવી કોવિડ હોસ્પિટલમાં અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને અપાતી સારવારનું પણ નિરીક્ષણ કર્યું હતું. ડો. તુષાર પટેલે કહ્યું હતું કે, રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે તેમ જણાવીને દર્દીઓને એઈમ્સ જેવી જ સારવાર મળી રહી છે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પીડીયુ હોસ્પિટલ ખાતે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને અન્ય તજજ્ઞ સાથે રાજકોટમાં કોરોના દર્દીઓને અપાઈ રહેલી અદ્યતન સારવાર અંગે પરામર્શ કર્યો હતો. હોસ્પિટલની મુલાકાત વેળાએ સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન ભરત બોઘરા, અગ્રણી કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, મનીષ રાડીયા, અધિક કલેક્ટર પરીમલ પંડ્યા, સહિતના અધિકારી અને પદાધિકારીઓ આવી પહોંચ્યા હતા.