મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના આશ્રમરોડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલના હાથે થયું હતું. આ દરમિયાન કાર્યાલય પર જ્યારે કેજરીવાલ પહોંચ્યા ત્યારે કાર્યકરો અને નેતાઓ રાજકીય ઉત્સવના ઉન્માદમાં પોતાનું ભાન ભૂલ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરી દીધો હતો.

જોકે ગુજરાતીઓને રાજકીય નેતાઓના તાયફાઓની પહેલાથી જ ટેવ પડી ગઈ છે. તંત્ર પણ જ્યાં સામાન્ય વ્યક્તિનું માસ્ક નાકથી થોડું નીચે ઉતરી આવે તો પણ દંડે છે પણ રાજકીય નેતાઓ આગળ મુજરો કરવા લાગે છે. આવી ટેવ પડી ગઈ છે, નેતાઓના તાયફાઓને પડકારવાની હિંમત ક્યાંય પણ કે કોઈના દ્વારા પણ કરવામાં આવે તો ઉલ્ટો તે જ આરોપી બની જાય છે અને તેને જ ભોગવવાના વારા આવતા હોય છે.

Advertisement


 

 

 

 

 

આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં પગલા માંડ્યા ત્યારે તે લોકો સાથે કનેક્ટ થવા લોકોના પ્રશ્નો ઉઠાવવા લાગ્યું, લોકોએ પ્રેમ પણ આપ્યો. જોકે હજુ માંડ પાપાપલગી ભરવાની શરૂ કરી છે ત્યાં રાજકારણનો નશો ચઢવો પણ સ્વાભાવીક હતો. લોકોને એક મરણ પ્રસંગ પણ કાઢવો હોય તો વિચારવું પડે છે કે કેટલાને ના પાડીને કહેવું કે આવતા નહીં. ત્યારે આપ દ્વારા આ કાર્યક્રમ ઘડતા પહેલા લોકોના આ મહત્વના પ્રશ્નને નેવે મુકી દેવાયો હતો. 

જે લોકો સમજતા હતા કે આપ તો મારી છે, અમને જેટલી તકલીફો પડશે તે તકલીફોમાં આપ પણ અમારી સાથે છે. આવો વિશ્વાસ પેદા થવા લાગ્યો હતો પરંતુ આ પણ થોડા સમયનો ભ્રમ નિકળતાં ઘણા લોકો નારાજ થયા છે. લોકોએ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ ટોળાઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. અગાઉ લોકોએ પોતાના પ્રસંગો થતા ન્હોતા ત્યારે ભાજપ, કોંગ્રેસના તાયફાઓ જોયા ત્યારે લોકો નારાજ થયા હતા. ચૂંટણીઓ થઈ ત્યારે લોકો નારાજ થયા હતા અને બીજી લહેરમાં તો લોકો રડી પડ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ આ પ્રકારનો કાર્યક્રમ ઘડી લોકોના મન અને વિશ્વાસ સાથે રમત કર્યાનું લોકો અનુભવવા લાગ્યા છે. જોકે જનતા ઘણું બધુ જતું કરતી હોય છે. શક્ય છે કે આમ આદમી પાર્ટીને પ્રમાણભાન આવે અને તે જનતા માટે એવું કરીને બતાવે કે લોકોમાં જન્મેલા નવા વિશ્વાસ પર તે ખરું ઉતરે.