મેરાન્યૂઝ નેટવર્ક.સુરત : કોરોનાની બીજી લહેરમાં સમગ્ર ભારત લપેટામાં આવી ગયું છે દેશ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવા જ એક કિસ્સામાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ ટિપ્પણી કરનાર સુરતના રહેવાસી અને આમ આદમી પાર્ટીના કાર્યકરની સાઇબર ક્રાઇમે ગુરૂવારે ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની મહામારી મુદ્દે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ સોશિયલ મીડિયામા પોસ્ટ મુકી ટિપ્પણી કરનાર સિવિલ કોન્ટ્રાકટર સંજય ઉર્ફે સંજયતોરી લાલજી ડાંગર (ઉ.વ. 40) (રહે,પ્રમુખ પાર્ક સોસા, કેનાલ રોડ, પુણા) ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સંજય મૂળ સૌરાષ્ટ્રના અમરેલીનો વતની છે.  સંજયે કોરોનાની મહામારીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીનો મમતા બેનર્જીનો ફોટો મુકી કોઈપણ જાતના આધાર પુરાવા વગર સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી. એટલું જ નહિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં પણ પોસ્ટ મુકી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઇમે સંજય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ મામલે સુરત સાયબર ક્રાઇમના સૂત્રોએ જણાવ્યું હતું કે, સંજય ડાંગર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. પોલીસ સમક્ષ સંજય ડાંગરે જણાવ્યું હતું કે તેણે આ પોસ્ટ બીજામાંથી ફોરવર્ડ કરી હતી. તેણે આવી કોઇ પોસ્ટ જાતે બનાવી નથી તેમ પોલીસને જણાવ્યું હતું. જેથી આ મામલે સુરત સાયબર ક્રાઈમે તેના આ પોસ્ટ કોણે બનાવી છે તેના મૂળ સુધી પહોંચવા તપાસ હાથધરી છે.