મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત ભાજપના ગાંધીનગર ખાતેને કમલમ કાર્યાલયનો ઘેરાવ કરવા આવેલા આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો અને નેતાઓ પર પોલીસ ફરી વળી હતી. ગોપાલ ઈટાલિયાને રિતસર સૌળ પાડી દીધા હતા તો અન્ય એક અગ્રણી નેતાનું માથું ફાટી જાય તેવો જીવલેણ હુમલો કર્યો હતો. આવા તો અન્ય ઘણા નેતા કાર્યકરોને ફટકારી તેમની અટક કરાઈ હતી. 12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં અસીત વોરાની હકાલપટ્ટીથી માંડી ઘણી માગણીઓ સાથે તેઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા.

Advertisement


 

 

 

 

 

આ હુમલા અંગે આમ આદમી પાર્ટીએ નિંદા કરતાં કહ્યું કે, ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય કમલમ પર હેડ ક્લાર્ક પેપર લીક બાબતે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ યાદ રાખે કે હવે ગુજરાતમાં મજબૂત વિપક્ષ આવી ગયું છે. ભાજપ + કોંગ્રેસની મીલીભગત હવે નહીં ચાલે.

આમ આદમી પાર્ટીએ ગાંધીનગર ખાતેના ભાજપના કમલમ કાર્યાલય સરકારી નોકરીઓના પેપર લીક મુદ્દે ઘેરવાનું નક્કી કર્યું હતું. કમલમ ખાતે જ્યારે તેઓ દેખાઓ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન પોલીસ આક્રમક સ્વરૂપમાં જોવા મળી હતી અને પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ગોપાલ ઈટાલિયાને પીઠ પર સૌળ પડી ગયા હતા અને અન્ય એક કાર્યકરના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આપના આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા ઉપરાંત ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી.

અહેવાલો મળી રહ્યા છે કે, આ ઘટનાને લઈને ભાજપની એક કાર્યકર દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં મહિલા કાર્યકરે ઈસુદાન ગઢવી નશામાં હોવાનું અને પોતાની સાથે છેડતી કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે તેના થોડા જ સમય પછી તેમણે એક વીડિયો વર્ઝન પણ આપ્યું હતું.