મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગઇકાલે ફેસબુક પર પત્ની સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેને ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું તો કેટલાકે આવો ફોટો ન મુકવા કોમેન્ટ કરી હતી. આ લોકોને ગોપાલ ઇટાલિયા વળતો જવાબ આપ્યો છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, ગઈકાલે મેં ફેસબુક પર મારી પત્નીનો આભાર માનવા માટે ટૂંકી પોસ્ટ સાથે એક ફોટો અપલોડ કર્યો. મારો અને મારી પત્નીનો ફોટો જોઈને ઘણા મિત્રોએ ટીકા કરી, નિંદા કરી, કોમેન્ટમાં સલાહ આપી કે આવા ફોટાઓ ન મુકાય, મર્યાદા જાળવો, તમે એક રાજકીય વ્યક્તિ છો તમારે પરિવારના ફોટાઓ પોસ્ટ ન કરાય વગેરે પ્રકારની સલાહ આપવામાં આવી. 

જો કે આ બાબતમાં હું સલાહ આપનાર કે ટીકા કરનાર વ્યક્તિઓનો દોષ નથી માનતો, કેમ કે આપણે ત્યાં અત્યાર સુધીના નેતાઓએ પોતાના પરિવારને કે પત્નીને ઓછા અને બીજાની પત્નીને વધુ પ્રેમ કર્યાના અનેક કિસ્સાઓ આવ્યા છે એટલે લોકો એવું માને છે કે નેતાઓ તો આવા જ હોય / હોવા જોઈએ. કોઈ રાજકીય વ્યક્તિ પોતાની પત્નીને પ્રેમ કરતો ફોટો મૂકે તો લોકોને નવાઈ લાગે છે પણ બીજાની પત્ની સાથે વીડિયો આવે તો લોકોને મનોરંજન થાય છે. નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જનતાની માનસિકતા ઘડવાનું અને માનસિકતાને પ્રતિબિંબિત કરવાનું કામ કરે છે.

Advertisement


 

 

 

 

 

જો કે આપણે આ જમાનામાં ફક્ત નેતાઓના આધારે આપણા વિચારો કે માન્યતાઓને ઘડવી જોઈએ નહિ, હવે તો આપણી પાસે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પણ છે. મોબાઈલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો આવિષ્કાર કરનાર વ્યક્તિનો ઉદ્દેશ્ય માણસને કે સમાજને ગ્લોબલ બનાવવાનો હતો. માણસ પોતાના કુંડાળામાંથી બહાર આવે અને વૈશ્વિક પ્રવાહો સાથે જોડાય તેના માટે આ માધ્યમો છે. દુનિયામાં દેશોમાં જે થયું હોય તે પરંતુ આપણે ત્યાં આ માધ્યમોના ઉપયોગથી માણસ સંકુચિત બન્યો છે, પોતાની માન્યતાઓ કે ધારણાઓ કે રૂઢિઓ પ્રત્યે વધુ સંકુચિત બન્યો છે. 

દુનિયાના બીજા છેડે રહેતો વ્યક્તિ કે સમાજ કેવી રીતે જીવે છે તે જાણવા માટે ટેકનોલોજીની વ્યવસ્થા થયા પછી આપણે આપણા પૂર્વગ્રહોથી મુક્ત થઈને વૈશ્વિક બનવાનો પ્રયત્ન કરવાનો હતો પણ આપણી નિરંતર કોશિષ દુનિયાને આપણા ચશ્માથી જોવાની થઈ રહી છે. આપણે આપણી જ પટ્ટીથી દુનિયાને માપવાના વ્યર્થ અને બિનજરૂરી પ્રયત્નો કરી રહ્યા છીએ.
હવે ફક્ત વ્યાપક દ્રષ્ટિકોણ નહિ ચાલે પરંતુ વૈશ્વિક વિચારોને જ અપનાવવા પડશે, કેમ કે જમાનો જે રીતે આગળ વધી રહ્યો તે પ્રમાણે જે વ્યક્તિ, જે સમાજ, જે સમૂહ કે જે વર્ગનો દ્રષ્ટિકોણ વૈશ્વિક નહિ હોય તેનું ટકવું ઘણું મુશ્કેલ છે. 

હું અને મારી પત્ની એકબીજાને વ્હાલ કરતો સામાન્ય ફોટો જોઈને જેને જેવું લાગ્યું તે ભલે લાગ્યું પણ એ ફોટો મુકીને મેં મારી પત્નીનો આભાર માનવાની કોશિષ કરી છે. 
હું મહિનામાં માંડ એકાદ બે કે ચાર દિવસ ઘરે જઈ શકું છું. મને અને મારા પરિવારને પણ એમ લાગે છે કે હું ફક્ત કપડાં ધોવડાવવા પુરતો જ ઘરે જાઉં છું. જ્યારે મારા સંઘર્ષ પાછળ મારી પત્ની મને આટલો સહયોગ આપતી હોય, સપોર્ટ કરતી હોય, પોતે ગમે તેવી તકલીફો સહન કરીને પણ મને આગળ વધવા માટે હિંમત આપતી હોય તો મારે જાહેરમાં તેનો આભાર માનીને મારી ફરજ બજાવવી જોઈએ.

હું ભલે રાજકીય વ્યક્તિ હોઉં અથવા અંગત જીવનના ભલે સંબંધોમાં ખાટા-મીઠા-કડવા ઝઘડાઓ થતા હોય પરંતુ મારે મારે પત્નીને દુનિયાની સામે જાહેરમાં સ્વીકારવાની છે, જાહેરમાં તેને સન્માન આપવાનું છે, લાખો લોકોની સામે તેના યોગદાનનો આભાર વ્યક્ત કરવાનો છે અને એવી રીતે મારે મારી સફળતા કે પ્રસિદ્ધિનો અડધો હિસ્સો જાહેરમાં પત્નીના નામે કરવાનો છે. મેં ફોટો પોસ્ટ કરીને મારી પત્નીને જાહેરમાં સન્માનિત કરવાનું કામ કર્યું છે.

Advertisement


 

 

 

 

 

આમ આદમી પાર્ટી રાજનીતિ બદલવા માટે બનાવી છે અને હું પણ કંઈક બદલાવ લાવવા માટે દિવસરાત મારી યુવાનીનો કિંમતી સમયનું યોગદાન આપી રહ્યો છું.  સમાજમાં કે રાજનીતિમાં વર્ષોથી ચાલી આવતી માન્યતા, પ્રથા, ટેવ, પદ્ધતિ કે રૂઢીને બદલવી તે અત્યંત અઘરી બાબત છે. એમાંય વળી રાજનીતિમાં સ્થાપિત થયેલી પ્રથાને બદલવાનો રસ્તો કાંટાળો, અઘરો, ગૂંચવણભર્યો, વિવાદિત છે. આપણે જેટલું ધારીએ તેટલું તાત્કાલિક બદલી શકાતું નથી. આદર્શ પરિસ્થિતીનું નિર્માણ કરવાનો રસ્તો સહેજ પણ આદર્શ નથી. પરિવર્તનના રસ્તા ઉપર કેટલીય બાંધછોડ કરવી પડે, જતું કરવું પડે, ન ગમતું હોય તે કરવું પડે અને ગમતું હોય તે ન કરવાનું થાય પરંતુ બદલાવના રસ્તા ઉપર બલિદાન આપવું પડે, ટકી રહેવું પડે, સહન કરવું પડે, ઝઝૂમવું પડે અને અંત સુધી લડતું રહેવું પડે તો ચોક્કસ પરિવર્તન આવે.

હું લડું છું એટલા માટે કે રાજનીતિ બદલી શકાય, નેતાઓ વિશેની માન્યતા બદલી શકાય, વ્યવસ્થા બદલી શકાય અને એવી રીતે વ્યક્તિ કે સમાજને વાડામાંથી બહાર કાઢી વૈશ્વિક બનાવી શકાય.  મને વિશ્વાસ છે કે, હું અંત સુધી સંઘર્ષ કરીશ.