મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં 8 જીંદગીઓ ભૂંજાઈ ગઈ. આ ઘટનામાં હવે જ્યારે રાજકીય નેતાઓએ નિવેદન બાજી શરૂ કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભાજપના ધારાસભ્ય જગ્દીશ પંચાલને ઘેરી લેવામાં આવ્યા હતા. જગ્દીશ પંચાલ પાસે તેઓ જવાબ માગી રહ્યા હતા જોકે જગ્દીશ પંચાલ ત્યાંથી રવાના થઈ જવાનું જ મુનાસીબ સમજી ગાડીમાં બેસી રવાના થઈ ગયા હતા. અહીં શ્રેય હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના સભ્યો ઘટનાને પગલે દોડી આવ્યા હતા. તેઓ હોસ્પિટલ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ત્યાં ધારાસભ્ય જગ્દીશ પંચાલ પોતાની કારમાં આવ્યા હતા. જોકે જ્યારે આપના સભ્યોએ તેમને સવાલો કરવાના શરૂ કર્યા કે શું કાર્યવાહી થશે વગેરે સવાલોના જવાબ આપવાની જરૂર નથી તેમ જણાવી તેઓ કારમાં બેસીને ત્યાં રવાના થઈ ગયા હતા.

ગત રાત્રે અમદાવાદની નવરંગપુરા ખાતેની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના દર્દીઓના મોત થયા હતા. વડાપ્રધાન સહિત તમામ નેતાઓએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી. અમદાવાદની આ હોસ્પિટલ ખાતે બનેલી ગત રાત્રીની ઘટનાને પગલે આજ સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓના પરિવારજનો સહિતના લોકો અહીં આવ્યા હતા. આપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યાક્ષ ભેમાભાઈ ચૌધરી અને પ્રવક્તા હિરેન કોટક, સંગઠન મંત્રી બિપીન પ્રજાપતિ સહિતના 8થી 10 કાર્યકરો અને પદાધિકારીઓ જગ્દીશ પંચાલનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. 

આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિરેન કોટકે જણાવ્યું કે, ગુજરાત સરકાર તથા અમદાવાદ કોર્પોરેશનના મેયર જાણે કે અમુક ખાસ લોકોનો બચાવ કરવાના પ્રયત્ન કરતાં હોય તેવો ચિતાર આવ્યો છે. વિજય રુપાણીએ ઉપરછલ્લી તપાસના આદેશ આપ્યા છે અને મૃતકો અને ઘાયલોને આશ્વાસન આપી જવાબદારી પુરી કરી લીધી હોય તેવો દેખાડો કર્યો છે.

તેમણે કહ્યું કે, આપ ગુજરાત પાર્ટી આ બાબતે મૃતકોને 25 લાખ અને ઘાયલોને 15 લાખ સહાય આપે તેવી જોગવાઈ કરવાની માગ કરે છે. સાથે જ હોસ્પિટલના દર્દીઓ પાસેથી અત્યાર સુધી લીધેલા નાણા પણ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી સગાઓને પાછા મળે તેવી માગ કરે છે. ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટીઓમાં ભાજપના નેતા પણ હોવાથી સરકાર અને કોર્પોરેશન તેમને છાવરવાનો પ્રયત્ન કરે છે તેવો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આપ દ્વારા અમદાવાદના મેયર બીજલ પટેલ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી રાજીનામું આપે તેવી માગ કરાઈ છે. તેમણે કહ્યું કે આવી અનેક ચિનગારી પર બેઠેલી હોસ્પિટલ્સ અને બિલ્ડીંગ્સની ફાયર સેફ્ટીની ચકાસણી તાત્કાલીક કરવામાં આવે.