મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ  ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધતી દેખાઈ રહી છે. ગુજરાતભરમાં હાલમાં વિવિધ મોર્ચે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાની કામગીરીઓ તેજ બની છે ત્યારે કોંગ્રેસમાંથી એક કોર્પોરેટરે છેડો ફાડીને હવે આમ આદમી પાર્ટીની વિચારધારાઓ સાથે મનમેળ કર્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી ગુજરાતે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારની મિલીભગતથી જનતા તો ઠીક પરંતુ આ પાર્ટીઓના પદાધિકારીઓ પણ કંટાળ્યા છે. આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલથી પ્રભાવિત થઈને કોંગ્રેસના પદ પર ચાલુ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી મહિલા નેતા ગીતાબેન કિરીટભાઈ પટેલ આજ રોજ આમ આદમી પાર્ટીમાં તેમના બહોળા કાર્યકર પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા.

આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે,  તેઓ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કરકસર વાળી કર્મનીતિ અને મફત શિક્ષણ, આરોગ્ય અને સસ્તા ભાવે વીજળી પુરી પાડવાની નીતિઓથી પ્રેરાઈને જોડાયા છે. તેઓની સાથે તેમના સહયોગી ઘણા બધા કોંગ્રેસના કાર્યકર મિત્રો પણ આજ રોજ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે.

તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી વધારેમાં વધારે કોર્પોરેશનની સીટો અંકે કરી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવામાં આવશે.