મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી સક્રિય કામગીરી કરી પગ જમાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. અહીં સુધી કે સુરતમાં તો તેમણે વિપક્ષમાં સ્થાન મેળવ્યું છે. જોકે ગુજરાતમાં જ્યારે ઘણી મહાનગર પાલિકાઓ, પાલિકાઓની ચૂંટણી હતી ત્યારે ઘણા ઉમેદવારોએ ચૂંટણી પહેલા જ ટપોટપ જીગર હારીને ચૂંટણી મેદાનમાંથી ભાગી જવાનું નક્કી કરતાં પાર્ટીને નીચાજોણું થયું હતું. આવું જ કાંઈક ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન જોવા મળ્યું છે. હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો મેનિફેસ્ટો અને ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારે ઉમેદવારે ચૂંટણી પહેલા જ જાતે બેટ સ્ટમ્પ પર મારી પોતાની વિકેટ આપી દીધી છે.

જોકે જનતા માટે તો સારું હતું કે પાર્ટી સાથે દગો કરનાર ઉમેદવાર પાસે કઈ અપેક્ષા રાખવાની થાય. ખેર હવે પાર્ટી શું એક્શન લે છે તે આપ (આમ આદમી પાર્ટી) નક્કી કરશે. હાલ જાણકારી પ્રમાણે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવનારા નિશી રાજ અમરસિંહ રમલાવતે અને કુમ્મપલબેન દવેએ ઉમેદવારી છોડી દીધી છે. ચૂંટણી મેદાનમાં લડવાનું મુકીને પાછા પડવાનું કારણ નિશીરાજ એવું આપે છે કે તેમના પરમ મિત્ર બ્રિજરાજસિંહ ગોહિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે. જેથી તેમના ટેકામાં પોતે મેદાન મુક્યું છે. જોકે તેમના પરમ મિત્રને આવો કોઈ વિચાર આવ્યો હતો કે નહીં તે જાણવું થોડું મુશ્કેલ છે. હાલ નિશીરાજે મિત્રતા નિભાવી છે કદાચ ભવિષ્યમાં બ્રિજરાજસિંહ પણ નિભાવશે પણ જનતાને એક ઉમેદવારને યાદ રાખવો ઓછો થયો તે નક્કી.

જોકે આ બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર કુમ્મપલબેન દવેના દીકરાના નોકરી ઉપર ભાજપનું પ્રેશર હોવાથી ફોર્મ પાછું ખેંચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્ય મીડિયા ઈન્ચાર્જ તુલી બેનર્જીનું કહેવું છે કે, ગાંધીનગર કોર્પોરેશનના વોર્ડ નંબર 5ના અમારા ઉમેદવાર નિશીરાજ અમરસિંહરમલાવતે કોંગ્રેસના પ્રેશરથી ફોર્મ ખેંચ્યુ છે જ્યારે કુમ્મપલ બેન દવેએ દિકરાની નોકરી પર ભાજપનું પ્રેશર હોવાને કારણે ફોર્મ પાછું ખેંચ્યું છે.