મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ બોલીવૂડના સુપરસ્ટાર અને મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાને આ વખતે નાતાલની રજા ગુજરાતમાં પસાર કરવાનો પ્લાન કર્યો હોઇ તેમ તેઓ સહપરિવાર સાસણ સિંહ દર્શને આવી પહોંચ્યા છે. જાણવા મળ્યા મુજબ આજે બપોરે તેઓ સપરિવાર પોરબંદર ખાતે ખાસ ચાર્ટર્ડ વિમાન દ્વારા આવી પહોંચેલ હતા. ત્યાંથી રોડ માર્ગે સાસણ જવા રવાના થયા હતા. ત્યારે પોરબંદર એરપોર્ટ પર આજે આમિર ખાન અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા આવ્યો ત્યારે આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો એકઠા થયા હતા.

સંવાદદાતાએ જણાવ્યા અનુસાર, આજે 11 વાગ્યે આમિર ખાન અને તેનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. હાલ આમિર ખાન અને તેનો પરિવાર ગીર જંગલમાં ફરવા માટે રવાના થયો છે. અને આમિર ખાન આવતીકાલે રવિવારે સિંહ દર્શન માટે પહોંચશે. ત્યારે નોંધનીય છે કે આમિર ખાન અગાઉ તેની સુપરડુપર હિટ ફિલ્મ લગાનનું શુટીંગ કચ્છમાં કરી ચુકયો છે અને ઘણા દિવસો સુધી ત્યાં રોકાણ કર્યુ હતું. જ્યાં તેમણે એક ગામ દત્તક પણ લીધું હતું. ત્યારે આમિર ખાન અને તેનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને તેનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવી પહોંચ્યો છે, જેને લઈને ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. તે 2-3 દિવસ ગીરના જંગલમાં પરિવાર સાથે સમય પસાર કરશે અને સાસણમાં જંગલ સફારીની મુલાકાત લેશે. હલતો આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન અને તેનો પરિવાર 5 કાર અને 1 બસ મારફત ગીર જવા માટે રવાના થયો છે.