મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: રાજ્યનાં પાટનગરમાં પ્રથમવાર મહાનગર પાલિકાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે મેનીફેસટો જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં આપ દ્વારા નગરજનોને ૭ ગેરેંટી આપવામાં આવી છે. આ ગેરન્ટીમાં શિક્ષણ ક્ષેત્રે જાહેરાત કરવામાં આવી છે કે, દરેક સરકારી શાળાનું નવીની કરણ કરી શાળામાં અધતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તો ગાંધીનગર શહેરમાં અંગ્રેજી મિડીયમની ૧૦ આધુનિક સરકારી શાળાઓ ચાલુ કરવામાં આવશે. જ્યારે આરોગ્ય ક્ષેત્રે હાલમાં ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ દવાખાનાની સુવિધાઓ વધારવામાં આવશે. ગાંધીનગર શહેરમાં સરકારી દવાખાનામાં તમામ પ્રકારના લોહી, પેશાબ, સીટી સ્કેન, એક્સ-રે, દવા તમામ નિઃશુલ્ક કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં હરતુ ફરતુ દવાખાનું ચાલુ કરવામાં આવશે. તમામ સિનિયર સિટીઝનને દર ૬૦ દિવસે ઘરે બેઠા ફ્રી મેડિકલ ચેકઅપ કરી આપવામાં આવશે.


 

 

 

 

 

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આગેવાનો રાજેશ શર્મા, શિવકુમાર ઉપાધ્યાય, હસમુખભાઇ પટેલ, મુકેશ પટેલ, તુલી બેનર્જીની હાજરીમાં ગેરેંટી કાર્ડની જાહેરાત કરી હતી. જેમાં સેકટરના આંતરિક રસ્તા પર કોર્પોરેશન સંચાલિત આધુનિક એ.સી. સીટી બસ ચાલુ કરી બહેનો અને વિધાર્થીઓ, સિનિયર સીટીઝન માટે મુસાફરી નિઃશુલ્ક કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીટી બસમાં મહિલાઓની સુરક્ષા માટે સી. સી.ટી.વી. મુકવામાં આવશે. જ્યારે ગાંધીનગર શહેરમાં અધતન સુવિધા સાથેની સેન્ટ્રલ એ.સી. લાયબ્રેરી, રીડીંગ રૂમ તેમજ સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે સરકારી કોચીંગ સેન્ટર બનાવાશે.

ગાંધીનગર શહેરમાં મહિલા સ્પોર્ટ એકેડમી અને ક્રિકેટ એકેડમી બનાવવામાં આવશે. સામાજીક પ્રસંગો માટે રંગમંચના ભાડામાં પ૦% રાહત આપવામાં આવશે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ કરવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો) ૫૦% ઘટાડો કરી વેપાર / ધંધાની જગ્યાનો વેરાની નવેસરથી સમીક્ષા કરવામાં આવશે. સ્વ-વપરાશ અને ભાડે આપેલી જગ્યાનો વેરો એક સમાન કરવામાં આવશે. તો નવા જોડાયેલ ગામડાના વિસ્તારમાં જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વેરાઓ લેવામાં આવશે નહીં.

ગાંધીનગરમાં જન્મ, મરણ, લગ્ન તેમજ અન્ય સરકારી પ્રમાણપત્રોની હોમ ડીલીવરી કરવામાં આવશે. કોર્પોરેશનને લગતી તમામ ફરિયાદો કરવા માટે એક હેલ્પલાઈન નંબર સિસ્ટમ બનાવીશું. કોર્પોરેશનની તમામ ઓફીસોમાં અને સિવિક સેન્ટરમાં કોર્પોરિટરો હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે કોર્પોરેશનનું બજેટ બનાવવા માટે સોસાયટી મીટીંગ કરવામાં આવશે. ગલ્લા, પાથરણાવાળા વ્યક્તિઓને કોર્પોરેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.