મેરાન્યૂઝ નેટવર્ક.સોમનાથઃ તાલાલાના ઘારાસભ્‍ય ભગવાનભાઇ બારડને કિન્‍નાખોરી રાખી સસ્‍પેન્‍ડ કરી કરાયેલા અન્‍યાય સામે ન્‍યાય નહીં મળે તો લોકશાહીની તાકત એવી આગામી લોકસભાની ચૂંટણીમાં આહિર સમાજ બતાવશે તેવું સોમનાથની ભૂમિ પર મળેલા આહિર શકિત સંમેલનમાં સમાજના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું. સંમેલનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ઘ મતદાન કરવાનો ઠરાવ સર્વાનુમતે બે હાથ ઉંચા કરી પસાર કરવામાં આવ્‍યો હતો.

વેરાવળમાં આહિર સમાજની વાડીએ મળેલ શકિત સંમલેનમાં આહિર સમાજના ઘારાસભ્‍ય વિક્રમભાઇ માડમ, અંબરીશ ડેર, ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરિયા, રણમલભાઇ વારતોરિયા, કાનભાઇ કાનગડ, પાલાભાઇ આંબલિયા, લક્ષમણભાઇ પીઠિયા, અર્જુનભાઇ ખાટરિયા, ડો.ડી.એલ.રામ, રાજુભાઇ ડાંગર, હરદસાભાઇ ખવા, સમીરભાઇ મારૂ, ભરત નંદાણીયા, પ્રગતિબેન આહિર, બાબુભાઇ રામ સહિત મોટીસંખ્‍યામાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી આગેવાનો અને લોકો મોટીસંખ્‍યામાં ઉપસ્‍થ‍િત રહ્યા હતા.

આ સંમેલનમાં ઘારાસભ્‍ય વિક્રમ માડમ અને ઘારાસભ્‍ય અંબરીશ ડેરએ પોતાના ધારદાર ઉદબોઘનમાં જણાવ્યું કે, મોડો મળેલો ન્‍યાય પણ અન્‍યાય કહેવાય છે. અન્‍યાયકારી સરકાર પાસે ન્‍યાય માંગવાનો ના હોય સંઘર્ષ કરી ન્‍યાયને છીનવવો પડે છે. અન્‍યાય સામે બંદુક, તલવાર કે લાકડી લઇને બાઘવા જવાનું ન હોય પણ લોકશાહીની તાકાત એવી ચૂંટણીમાં આહિર સમાજે સંગઠીત બની પરચો બતાવી અન્‍યાય કારોને પ્રતિતિ કરાવી જોઇએ. માંગવાથી ભીખ મળે અઘિકાર નહીં જેથી તે ઝૂંટવીને લેવો પડે છે. આહિર સમાજ પારકા માટે બલીદાન આપનારો અને સંઘર્ષ કરનારો છે. ભાજપમાં બેસેલા સમાજના આગેવાનો તેઓના નેતાઓને સમાજવે બાકી ખોટમાં જશે તેવી ચિમકી ઉચ્‍ચારી હતી. ભાજપ સરકાર સતત આહિર સમાજને અન્‍યાય કરતો હોવાથી કૃષ્‍ણની નીજઘામની ભૂમિ પરથી આહિર સમાજે સંકલ્‍પ કરી ભાજપ સરકારને તાકાત બતાડવી જરૂર છે. આહિર સમાજએ પોતાનું અસ્‍તીતત્‍વ બતાડવા સંગઠીત બની લડવું પડશે.

આહિરોની વ્‍યાખ્‍યા આપતા તેમણે કહ્યું કે, આહિરો વચન આપે તો માથા આપી દે અને વટે ચડી જાય તો માથા ઉતારી લે એવી ખુમારી ઘરાવતો સમાજ છે.

ઘારાસભ્‍ય ભગવાનભાઇ બારડે ઉદબોઘનમાં જણાવ્યું કે, કોર્ટનો હુકમ શિરોમાન્‍ય પરંતુ હુકમ બાદ સરકાર પક્ષે જે કાવા દાવા કરવામાં આવ્‍યા તેની સામેની આ લડાઇ છે. ત્‍યારે આહિર સમાજએ નિર્ણય કરવાનો છે. મારા સસ્‍પેનશન સામે વેરાવળ કોર્ટમાં ચાલતા કેસમાં સરકારે રાજકોટથી સ્‍પેશીયલ પી.પી.ની નિમણૂંક કરી છે. આ રીતે આટલી હદે અન્‍યાય કરી પાડી દેવાની કિન્‍નાખોરી સરકારએ રાખી છે.

સંમેલનમાં અન્‍ય આગેવાનોએ પોતાના ઉદબોઘનોમાં ભાજપ સરકાર આહિર સમાજના આગેવાનો સામે કિન્‍નાખોરી રાખતી હોવાનો આક્ષેપ કરી આગામી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા સંગઠીત બની સંકલ્‍પબઘ્‍ઘ બનવા આહવાન કરેલ હતુ. સમાજ સંગઠીત હશે તો જ અન્‍યાય સામે ન્‍યાય મળશે તેવી હુંકાર ભરી હતી. સમાજની વાત જયારે આવે ત્‍યારે પાર્ટી કોરણે મુકવી જોઇએ. ભાજપ સરકારે વેર વાળવા કિન્‍નાખોરી રાખી ઘારાસભ્‍ય પદેથી સસ્‍પેન્‍ડ કર્યા છે. ગુજરાતમાં દરેક તાલુકામાં બેઠક કરી આહિર સમાજને થયેલ અન્‍યાય સામે લડત ઉગ્ર બનાવી જડબાતોડ જવાબ આપવા આહવાન કર્યું હતું.