મેરાન્યૂઝ નેટવર્ક.ઉન્નાવ : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ગુરુવારે એક દુષ્કર્મ પીડિતાને જામીન પર છૂટીને આવેલા આરોપીઓએ પોતાના ત્રણ સભ્યોની સાથે મળી જીવતી સળગાવી  દીધી. આ ધૃણાસ્પદ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં જિલ્લા હૉસ્પિટલ ખસેડી હતી. તેની હાલત ગંભીર જોતાં ડૉક્ટરોએ લખનઉના ટ્રોમા સેન્ટર રિફર કરી દીધી. મળતી માહિતી મુજબ, પીડિતા 80 ટકા દાઝી ગઈ છે. બીજીબાજુ આ કેસને લઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર પ્રહારો કર્યા છે.

થોડા દિવસ પહેલા જ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે યુવતી આ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી. સવાર ચાર વાગ્યાની આસપાસ ગામની બહાર ખેતરમાં બંને આરોપી તથા તેના ત્રણ સાથીઓએ તેની ઉપર કૅરોસીન છાંટીને આગ લગાવી દીધી. તેની જાણ થતાં જ ગામમાં હોબાળો થયો. ઘટના વિશે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને જિલ્લા હૉસ્પિટલ સારવાર માટે પહોંચાડી આગળની કાર્યવાહી શરૂ કરી.

ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાએ નિવેદન આપ્યું કે ગુરૂવાર વહેલી સવારે 4 વાગ્યે રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા બૈસવારા બિહાર રેલવે સ્ટેશન જઇ રહી હતી. ગૌરા મોડ પર ગામના હરિશંકર , કિશોર શુભમ, શિવમ, ઉમેશે તેને ઘેરી લીધી અને માથા પર ડંડાથી અને ગળા પર ચાકુથી પ્રહાર કર્યા. ત્યારે પીડિતાને ચક્કર આવતા પડી ગઇ તો આરોપીઓએ પેટ્રોલ નાંખી આગ લગાવી દીધી.  ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પીડિતાને સળગાવવામાં આવી છે. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેને લખનઉ રૅફર કરવામાં આવી છે. મામલામાં કાર્યવાહી કરતાં આરોપી હરીશંકર , શિવમની ધરપકડ કરવામાં આવી છે. એક અન્ય આરોપી ફરાર છે. પોલીસ તમામની કૉલ ડિટેલ્સ તપાસી રહી છે. અમે પીડિતાનું નિવેદન પણ લીધું છે જે કેસમાં ખૂબ મહત્વપૂર્ણ હશે. ડીજીપીએ જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ રાયબરેલીમાં આ કેસ નોંધાયો હતો. શખ્શોના આ કૃત્યથી ઠેરઠેર ટીકા કરાઈ રહી છે.