પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે એવું માનીએ છીએ કે સ્ત્રી ડરપોક, નબળા મનની અને અશક્ત હોય છે, પરંતુ મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અને વાસ્તવિક આંકડાઓ જોઈએ તો સ્ત્રીની સરખામણીમાં પુરુષ પોતાને ખુબ જ નબળો અને લાચાર સમજે છે. કદાચ આટલા જ વાક્ય સાથે તમે સહમત નહીં થાઓ પરંતુ અખબારમાં રોજે રોજ આવતી આત્મહત્યાની ઘટનાઓ પર એક નજર કરશો તો સમજાશે કે દસ આત્મહત્યાની ઘટનાઓમાં પુરુષો અને સ્ત્રીઓની ટકાવારી 7:3 છે. આમ જ્યારે મુશ્કેલ સ્થિતિ નિર્માણ થાય ત્યારે સ્ત્રી તેનો સામનો કરી લે છે પરંતુ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સેલ્ફડીફેનિઝમ સિસ્ટમ ખુબ જ નબળી હોય છે. જેના પરિણામ સ્વરૂમ મુશ્કેલ સ્થિતિઓમાં સ્ત્રી રસ્તો શોધી પહાડની જેમ અડઘ ઊભી રહેવાના સતત પ્રયત્નો કરતી હોય છે જ્યારે પુરુષનો પુરુષ હોવાનો અહંકાર ક્ષણમાં જ તૂટી જાય છે.

વાત અહીં માત્ર જીવન મરણની નથી, પણ એવી હજારો ઘટનાઓ છે જેમાં સ્ત્રી પરિસ્થિતિ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરી વિજય પણ મેળવે છે જ્યારે પુરુષ નાની નાની ઘટનાઓમાં પણ નાસીપાસ થઈ જાય છે. તેનું એક કારણ એવું પણ છે કે, સ્ત્રી ઘણી સરળતાથી પોતે શક્તિમાન નથી, પોતે લાચાર છે અને નબળી છે તેવું સહજતાથી પોતાને સમજાવી શકે છે. જ્યારે આપણે ત્યાં પુરુષના ઘડતરમાં જ ખોટ છે, જેને કારણે પુરુષને ડર લાગતો નથી, પુરુષ હારતો નથી અને પુરુષ રડતો નથી તેવી ગળથૂંથી જે આપણને પીવડાવી દેવામાં આવી છે તે ખરી વાસ્તવિક્તા કરતાં સાવ જુદી હોય છે. પુરુષને ડર પણ લાગે છે, તે હારે પણ છે અને તેને રડવું પણ આવે છે. પણ ખોટું શિક્ષણ પુરુષને હારવા દેતું નથી અને રડવા દેતું નથી માટે તે ભાંગી જાય છે જ્યારે સ્ત્રી પોતે લાચાર અને અશક્ત હોવાનું સ્વિકારી બહુ જલ્દી આવી પડેલી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લે છે.

પતિનું અવસાન થાય અથવા કોઈ કારણ સર પતિ-પત્ની છૂટા પડે ત્યારે 99 ટકા કિસ્સામાં સ્ત્રી સિંગલ પેરેન્ટની ભૂમિકા બખૂબી નિભાવે છે. તે જન્મજાત બાળકની માતા તો હોય જ છે પરંતુ પરિસ્થિતિ નિર્માણ થાય તો તે બાળકના ઉત્તમ પિતા પણ સાબિત થઈ શકે છે. આપણા દેશમાં આવી લાખોની સંખ્યામાં સ્ત્રીઓ છે કે જેણે પતિના અવસાન પછી કે પતિથી છૂટા પડ્યા પછી પોતાના બાળકોને તે તમામ ઉત્તમ બાબતો આપી જે તેમને તેના પિતા આપી શક્તા હતા. પતિથી અલગ થનારી લાખો સ્ત્રીઓ છે કે જેણે દુનિયાની કડવી નજરોથી પોતાની જાતને બચાવી પોતાના બાળકને પિતાનું છત્ર પુરું પાડ્યું છે, પરંતુ બહુ એવા ઓછા પિતાઓ છે કે જેમણે પત્નીના અવસાન પછી અથવા પત્નીથી અલગ થયા પછી સિંગલ પેરેન્ટની ભૂમિકા અદા કરી હોય.

પતિ-પત્ની જ્યારે સાથે રહેતા હોય છે ત્યારે પતિને ખ્યાલ જ નથી હોતો કે જેમ સહજતાથી તે શ્વાસ લે છે તેમ તેની આસપાસની ઘટનાઓ તેની સાથે પત્નીને કારણે સહજ બની ગઈ છે. પતિ સવારે ઉઠે અને નોકરીએ જાય અને ત્યાંથી પરત ફરે ત્યાં સુધીની તમામ જરૂરિયાતો માગ્યા વગર તેની પત્ની સમયસર પુરી કરે છે. પુરુષની નજર ફરે અને જે સ્ત્રીને તેની વાત સમજાય તે તેની પત્ની જ હોઈ શકે છે. તાજેતરમાં ગુજરાતના બે સિનિયર પોલીસ અધિકારીઓના વીડિયો વાયરલ થયા જેમણે ત્રણથી ચાર દાયકા એક ઉત્તમ પોલીસ અધિકારી તરીકે પસાર કર્યા અને લગભગ પાંચ દાયકા કરતાં વધુ સમય સુધી તેઓ પોતાનું દાંપત્ય જીવન જીવ્યા.

તેમણે જીવનમાં એવો નિર્ધાર કર્યો હશે કે આખી જીંદગી પોલીસની દોડધામ ભરેલી નોકરી કર્યા પછી તેઓ પોતાના જીવનસાથી સાથે જીવનનો ઉત્તરાર્થ પસાર કરશે, પણ કુદરતે જાણે કાંઈક જુદુ જ નિર્માણ કર્યું હતું. જ્યારે નોકરીકાળ પુરો થયો અને જીવનસાથી સાથે ઉત્તરાર્થ પસાર કરવાનો હતો ત્યારે જ જીવનસાથીની વિદાય થઈ. ખાખી કપડામાં જીવતા આ અધિકારીઓ આજે પોતાને લાચાર અને એકલા સમજી રહ્યા છે. આવું અનેક પુરુષો સાથે થાય છે. પતિની વિદાય પછી પત્ની એકલી જીવી જાય છે પરંતુ પત્નીની વિદાય પછી પુરુષો બહુ લાંબુ જીવતા નથી તેવો પણ એક અભ્યાસ થયો છે. 

(સહાભારઃ ગુજરાતમિત્ર)