રવિ ભડાણીયા (મેરાન્યૂઝ.મોરબી): ગુજરાતભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોરબીની સ્થિતિ ખુબ ભયાનક બની ગઈ છે, મોરબી રાજકોટની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. દર્દીઓને બેડ મળવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે ત્યારે મોરબીના મોટા ભાગના દર્દીઓને જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલનો લોકોને હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો છે.

મોરબીના એક દર્દીને ત્રણ દિવસ પહેલા કોરોનની સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ દિવસથી દર્દીના હાલ હવાલની કોઈ માહતી ના મળતા છેવટે ત્રણ દિવસ પછી હોસ્પિટલનો ભયાનક વિડીયો બહાર આવ્યો છે અને એ વીડિયોમાં દર્દીને જે મશીનથી સારવાર આપવામાં આવી રહી છે એ મશીનનું કનેક્ટર પણ કામ કરી રહ્યું નથી. દર્દીના ત્રણ દિવસથી લોહીલુહાણ કપડાં પણ બદલવામાં આવ્યા નથી અને હદ તો ત્યારે થઈ કે જમવાનું પણ દર્દીની બાજુમાં એમનુંએમ પડી રહ્યું હતું. દર્દીની મજાક કરતો આ ક્રૂર વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

વધુમાં જણાવી દઈએ કે જામનગરની જીજી હોસ્પિટલના આધાર ભૂત સૂત્રો પાસેની માહિતી મુજબ દરરોજ150થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે. જેમાં મોરબીના જ 30થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે અને કોવીડ પ્રોટોકોલ મુજબ જ ડેડ બોડી સોંપવામાં આવી રહી છે. છતાં પણ સરકારી ચોપડે આંકડો નીચો બતાવવા મૃતદેહ સાથે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વારંવાર વિવાદ છતાં પણ નિંભર તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલી રહ્યું નથી.