મેરાન્યૂઝ નેટવર્ક રાજકોટ : શહેરમાં જાતીય સતામણીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં હરિધવા રોડ પર ભવનાથપાર્કમાં રહેતા ભરત વેલજી ખૂંટ નામના નરાધમે પુત્રને બોલાવવા આવતા 9 વર્ષના માસૂમને રૂમમાં પૂરી વિકૃત કૃત્યો કર્યાનું બહાર આવ્યું છે. થોડા દિવસો પૂર્વે ભરત ખૂંટે બાળકને રૂમમાં પૂરી બીભત્સ હરકતો શરૂ કરી હતી. બાળક દ્વારા પ્રતિકારની કોશિશ કરવામાં આવતા બાળકને ધમકાવ્યો હતો અને તેની માતા સાથે પણ વિકૃત કૃત્યો કરતો હોવાનું જણાવ્યું હતું.

પોતાની સાથે થયેલી હરકતોથી ડઘાઈ ગયેલો બાળકો આરોપી ભરતની ધાક ધમકીઓના કારણે ચૂપ રહ્યો હતો. જોકે, આરોપીની હરકતોથી હચમચી ઉઠેલા બાળકે માતા પાસે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. બાળકની જુબાની મુજબ છેલ્લા એક મહિનામાં પાંચેક વખત આરોપીએ હીન કૃત્ય કર્યું હોવાનું સાંભળી માતાપિતા હચમચી ગયા હતા. અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.