પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ): અમદાવાદના વાડજ વિસતારમાં ભીખ માંગવા નિકળેલી વાદી કુળની ત્રણ મહિલાઓ બાળકો ઉઠાવી જવા આવી છે તેવી અફવા વાયુવેગે ફેલાઈ અને મિનિટોમાં ટોળુ એકઠું થઈ ગયું, ટોળાનો કોઈ નેતા હોતો નથી અને ટોળુ કોઈનું સાંભળતુ નથી. આ મહિલા સતત કહી રહી હતી કે અમે બાળકો ઉઠાવી જનારી ગેંગના સભ્ય નથી. તમે પોલીસને બોલાવી અમને સોંપી દો, પણ ટોળાએ તેમની એક વાત સાંભળી નહીં અને ગડદાપાટુનો માર મારવાની શરૂઆત કરી જેમાં એક મહિલાનું મોત થયું, ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર સતત કહી રહી છે કે ગુજરાતમાં આવી કોઈ ગેંગ આવી નથી, જે બાળકોને ઉપાડી જાય છે.

પણ પ્રજાને સરકાર અને પોલીસ કરતા વધુ ભરોસો સોશ્યલ મીડિયા ઉપર આવતા સમાચારો ઉપર છે, હજી તાજેતરમાં પણ મહારાષ્ટ્રના ઘુળે ખાતે બસમાંથી ઉતરેલી પાંચ વ્યકિતઓ બાળકોને ઉપાડી જવા માટે ઘુળેમાં આવી છે તેવા સમાચારે ટોળુ એકઠું કર્યું અને ટોળાએ પાંચેને ત્યાં જ પુરા કરી નાખ્યા હતા. હવે સવાલ એવો છે કે જે ટોળાએ ગરીબ માણસોની હત્યા કરી તેમના પૈકીનું કોઈના બાળકનું અપહરણ થયું હતું. તો તમામ સ્થળે એક સરખો જવાબ મળે છે કે ના આ ટોળામાં આવેલા પૈકી કોઈના પણ બાળકનું અપહરણ થયુ ન્હોતું, છતાં તેમને જેમ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના ગુનાનો ભંગ કરનાર સાથે સ્થળ ઉપર જ માંડવાળી કરે છે તેમ ટોળાએ સ્થળ ઉપર ન્યાય કરી દીધો હતો.

આવું જ કઈક બળાત્કારની ઘટના ઘટે ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નિકળવો સ્વભાવીક છે, અને આવી ઘટના પછી પોલીસના જાપ્તામાં રહેલા આરોપીઓ ઉપર ટોળુ હાથ સાફ કરી ગયાના કિસ્સા છે, પણ આવું કેમ થઈ રહ્યું છે તેની પાછળની સુક્ષ્મ માનસીકતા સમજવાની જરૂર છે, ટોળાના સુક્ષુપ્ત મનમાં છે કે પોલીસ અને ન્યાય તંત્ર આરોપીને સજા આપવા માટે સક્ષમ રહ્યું નથી, ટોળાએ ભુતકાળના અનુભવમાંથી માની લીધુ છે કે પોલીસ વગદારો સામે લાચાર થઈ જાય છે અને ન્યાયની દેવીએ ખરેખર આંખે પટ્ટી બાંધી જેના કારણે સરેઆમ હત્યા થઈ હોવા છતાં ન્યાયની દેવીને નજરે જોનાર સાક્ષીની જરૂર હોય છે અને સાક્ષી ન્યાયના દરબારમાં આવતો નથી કારણ પહેલા તો તેને માને છે કે તેની સાક્ષી પછી પણ આરોપીને સજા થશે કે નહીં. તેને તેની ખાતરી નથી અને ત્યાર બાદ સાક્ષી આપ્યા પછી તેની જીવન રેખા કેટલી રહેશે તેનું તેની તેને ખબર નથી.

આમ જ્યારે પણ ટોળું કાયદો હાથમાં લે છે ત્યારે તેના મનમાં કાયદાની નિષ્ક્રીયતા અને વિલંબ કારણભુત હોય છે, ટોળાનો કાયદા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે એટલે ટોળુ જ ન્યાય તોળવા બેસી જાય છે, ટોળુ મોટા ભાગે સામાન્ય માણસનું જ હોય છે, તેનો અર્થ દેશની સામાન્ય જનતાને ભરોસો નથી કે તે કોઈ આરોપીને પકડી પોલીસને સોંપશે એટલે પોલીસ જો તે ખરેખર ગુનેગાર હશે અને તેને સજા અપાવશે, પ્રજાની આવી માનસીકતા કોઈ એક ઘટનાથી જન્મી નથી, પણ મારા દાદા અને મારા પિતાને મેં કહેતા સાંભળ્યા છે કે પોલીસના અને કોર્ટના પગથીયા ભગવાન દુશ્મનને પણ બતાડે નહીં. આમ જેમના હાથમાં આપણી સુરક્ષાની વ્યવસ્થા છે અને દેશની સર્વોપરી ન્યાય વ્યવવસ્થા સામે પ્રજાના મનમાં રહેલી ધૃણાનું આ પ્રતિબીંબ છે.

ટોળાઓ હવે રસ્તા ઉપર ન્યાય કરવા લાગ્યા છે તેવું આપણે માનીએ છીએ પણ ખરેખર ટોળું કયારેય ન્યાય કરી શકતું નથી, કારણ ટોળુ બીજા પક્ષને સાંભળ્યા વગર પોતાનો જ પક્ષ સાચો છે અને પોતે માને તે જ પુર્વ દિશા છે તેવો  વ્યવહાર તેનો હોય છે તેના કારણે ટોળુ ન્યાય નહીં ટોળુ બદલો લેતું હોય છે, જરૂરી નથી કે ટોળુ જ્યારે બદલો લેવા માટે આવે ત્યારે કોઈ એક જ કારણ તેના માટે જવાબદાર હોય, બદલો લેવાના અનેક જુના કારણો પણ  હોઈ શકે છે. ટોળાનામાં મનમાં રહેલી નિરાશા સૌથી મોટુ કારણ હોય છે. ન્યાય કાયમ અદાલતમાં જ મળી શકે છે. તેવું જરૂરી નથી આપણે તો પંચ પરમેશ્વરમાં વિશ્વાસ કરનાર લોકો છીએ, ન્યાય મળવમાં વિલંબ થાય તો પણ ટોળાને બદલો લેવાની પરવનાગી આપી શકાય નહીં કારણ આપણે ત્યાં જંગલનો કાયદો ચાલતો નથી.

(સાભાર: ગુજરાતમિત્ર સુરત)