મેરાન્યૂઝ નેટવર્ક.પટના: બિહારની રાજધાની પટનામાં આવેલા પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) પહોંચેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબૈની ઉપર શાહી ફેંકાઈ. અશ્વિની ચૌબે આજે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડેન્ગ્યૂ દર્દીઓને મળવા ગયા હતા. આ દરમિયાન યુવકે અમુક માગ સાથે શાહી ફેંકી અને ફરાર થઈ ગયો. શાહી ફેંકનારા યુવકે પોતાને પપ્પુ યાદવના નેતૃત્વવાળી જન અધિકાર પાર્ટી (JAP)નો પ્રદેશ સચિવ ગણાવ્યો છે.

અત્રે જણાવવાનું કે પીએમસીએસમાં હાલ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આખા બિહારમાંથી અત્યાર સુધી 1700 કેસ સામે આવ્યાં છે. અશ્વિની ચૌબે ડેન્ગ્યુના દર્દીઓને મળવા માટે PMCH પહોંચ્યા હતાં. આ વોર્ડનું નિરિક્ષણ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર શાહી ફેંકાઈ અને આરોપી ઘટનાસ્થળેથી રફૂચક્કર થઈ ગયો હતો. કેન્દ્રીયમંત્રીના સુરક્ષાકર્મીઓએ યુવકને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ નહોતા રહ્યા. આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, આ એ જ લોકો છે, જે અપરાધ જગતથી સંબંધ રાખે અને કોઇ જમાનામાં ગુનાહિત પ્રવૃતિમાં ઘણા આગળ હતા.અશ્વિની ચૌબેએ તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો.

શાહી ફેંકાવવાની ઘટના આ કોઈ પહેલીવાર ઘટી તેવું નથી. આ અગાઉ પણ બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની ગાડી પર શાહી ફેંકાઈ હતી. રામકૃપાલ યાદવમની ગાડી ઉપર પણ શાહી ફેંકાઈ હતી.