પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગયા અઠવાડીયે  કેરળ ગયો હતો, અમને કોચીન એરપોર્ટ ઉપર કંનન લેવા આવ્યો હતો. અમે પહેલી વખત મળી રહ્યા હતા અને હવે તે અમારા કેરળના આખા પ્રવાસ દરમિયાન અમારી સાથે અમારા સારથી તરીકે રહેવાનો હતો. અમે ગુજરાતથી આવી રહ્યા છીએ તેની તેને આગોતરી જાણકારી હતી. તેણે પહેલા દિવસથી અમારી સાથે દક્ષિણ ભારતીય ઢબમાં હિન્દીમાં વાત શરૂ કરી હતી. બીજા દિવસના પ્રવાસની અમે શરૂઆત કરી, કેરળમાં ચોમાસુ બેસી ગયુ હતું અને ધીમા વરસાદ વચ્ચે કોચીનના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા. અમે એક ટ્રાફિક સીગ્નલ ઉપર આવી ઉભા રહ્યા તે જ વખતે અમારી મિની બસની જમણી તરફ રિક્ષા આવી ઉભી રહી, રિક્ષા એટલી નજીક આવી રોકાઈ કે રિક્ષાના હુડ સાથે ડ્રાઈવરનો સાઈડ ગ્લાસ  અથડાઈ ગયો, કંનને રિક્ષા ડ્રાઈવરનું ધ્યાન દોરવા માટે હોર્ન માર્યા પણ રિક્ષા ડ્રાઈવરના ધ્યાનમાં તે વાત આવી નહીં.

રિક્ષાનું હુડ અથડાવવાને કારણે બસનો સાઈડ ગ્લાસ તુટી ગયો હતો, હજી કંનન કઈ સમજે પહેલા ગ્રીન સીગ્નલ થઈ ગયુ હતું, હવે કંનન ત્યાં જ બસ રોકી રિક્ષા ડ્રાઈવર સાથે વાત કરવા જાય તો ટ્રાફિક જામ થાય તેમ હતું, આવુ અમદાવાદમાં મેં જોયુ નથી, સામાન્ય રીતે  ડ્રાઈવરો જ્યાં અકસ્માત થાય ત્યાં રસ્તાની વચ્ચે રોકાઈ ઝઘડો શરૂ કરે છે, પણ કંનને બસ સ્ટાર્ટ કરી આગળ વધારી, કંનને રિક્ષાની બાજુમાં પોતાની બસ લાવીસ રિક્ષા ડ્રાઈવરને મલીયાલમમાં કઈક કહ્યું મને એટલું સમજાયું કે તેણે રિક્ષા ડ્રાઈવરને કહ્યું કે રસ્તો ખુલ્લો મળે ત્યાં રોકાજે, એકાદ કિલોમીટર પછી પહોંળો રસ્તો આવતા કંનને બસ ઉભી રાખી,  તેની પાછળ આવેલી રિક્ષા પણ ઉભી રહી, તેમાંથી એક વૃધ્ધ  ડ્રાઈવર એક સ્ત્રી અને લગભગ અઢાર વર્ષનો યુવાન  બસ સુધી આવ્યા.

કંનને બસનું એન્જીન બંધ કર્યુ અને તે નીચે  ઉતર્યો, ધીમો વરસાદ ચાલુ હતો તે બધા બસની આગળ ઉભા રહી ચર્ચા કરી રહ્યા હતા, કંનન પોતાનો ગ્લાસ તુટી ગયો તે અંગે તેમને ગ્લાસ બતાડી કઈક કહી રહ્યો હતો. જો કે કંનન અને રિક્ષાવાળો મલીયાલમમાં વાત કરી રહ્યા હતા. જેના કારણે મને કઈ જ સમજાઈ રહ્યું ન્હોતુ, પણ રિક્ષા ડ્રાઈવર, પેલી મહિલા અને યુવાનના ચહેરા ઉપર એક પ્રકારની લાચારી હતી. તેઓ હાથ જોડી  પોતાનો પક્ષ કહી રહ્યા હતા, હું આખુ દ્રશ્ય જોઈ રહ્યો હતો, મને ચહેરાઓ જોઈ સમજાઈ રહ્યું હતું કે કંનન પોતાને થયેલા નુકશાનની માગણી કરી રહ્યો હતો અને પેલો રિક્ષાવાળો અને સાથે રહેલી વ્યકિત પોતાની સમસ્યા કહી રહી હતી, દસ મિનીટ થઈ પણ કોઈ ઉકેલ આવ્યો નહીં, હું બસની નીચે ઉતર્યો મેં કંનને પુછ્યું શું મામલો છે.

પહેલા તો તેણે મને આ પ્રશ્નથી દુર રાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે મેં  પ્રશ્ન જાણવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે મને હિન્દીમાં સમજાવ્યું કે આ રિક્ષા ડ્રાઈવર કહી રહ્યો છે કે તેણે આખી જીંદગી વેલ્ડીંગ કરવાનં કામ કર્યું છે, આ સ્ત્રી તેની પત્ની અને આ તેનો દિકરો છે, હજી ગયા અઠવાડીયે જ તેણે રિક્ષા ખરીદી છે, તેને હજી રિક્ષાનો અનુભવ નથી તેના કારણે તેને અકસ્માત થઈ ગયો તેવું તે કહે છે. હમણાં તે પોતાની બીમાર પત્નીને દવાખાને લઈ જઈ રહ્યો છે. મેં તેમને કહ્યું કે મારો ગ્લાસ તુટી ગયો તેના કારણ મને 3500 રૂપિયાનું નુકશાન થયું  છે. તે મને ચુકવી દો, પણ રિક્ષા ડ્રાઈવર અને તેનો પરિવાર કહે છે તેઓ બહુ ગરીબ માણસો છે તેમની પાસે પૈસા નથી તેઓ મને 500 રૂપિયા આપવાનું કહે છે. મેં રિક્ષા ડ્રાઈવર અને તેના પરિવાર સામે જોયું, ખરેખર તેઓ જે કહી રહ્યા હતા તે સાચું છે તેવું મને લાગ્યું મેં કંનને કહ્યું કંનન તેઓ ખરેખર ગરીબ માણસ છે. તેમને જવા દેવા જોઈએ.

કંનને તરત મને કહ્યું સાહેબ હું પણ ડ્રાઈવર તરીકે નોકરી કરૂ છું, મારો શેઠ મારા પગારમાંથી 3500 રૂપિયા કાપી લેશે, હું પણ પરિવારવાળો માણસ છું હું કયાંથી પૈસા લાવુ, મેં એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું કઈ વાંધો નહીં, તારે અને રિક્ષા ડ્રાઈવરે કોઈ ખર્ચ ભોગવવો પડશે નહીં હું તને પૈસા આપી દઈશ તું તેમને જવા દે, કંનન મારી સામે જોવા લાગ્યો એક ક્ષણ તો તેને મારી વાત સમજાઈ નહીં તેવું લાગ્યું કારણ હું ટુરીસ્ટ હતો, મારે આ ઘટના સાથે કોઈ નીસ્બત ન્હોતી, છતાં હું પૈસા આપવા તૈયાર હતો, મેં તેના ખભે હાથ મુકતા કહ્યું ખરેખર હું તને પૈસા આપીશ રિક્ષાવાળાને જવા દે. તેણે રિક્ષાવાળાને કહ્યું જાવ, પેલા લોકોને હિન્દી સમજાતી ન્હોતી અમે શું વાત કરી તેમને ખબર ન્હોતી પણ તેઓ એટલુ સમજયા કે મારા કારણે કંનન તેમને જવા દે છે  જતા વખતે તેઓ આભાર વ્યકત કરવા મને પગે લાવવા લાગ્યા મેં તેમને તેમ કરતા રોકયા અમે આગળ વધ્યા.

ત્યાર પછી સાત દિવસ સુધી અમે કેરળમાં ફર્યા પણ કંનને તે ઘટના અંગે કોઈ વાત કરી નહીં પણ તે કેરળ કેટલુ સુંદર છે તેની વાત કરતો રહ્યો હતો. કેરળમાં કયારેય હિન્દુ મુસ્લિમ લડતા નથી તે વાત કરતો રહ્યો આઠમા દિવસે અમારે અમદાવાદ પરત આવવાનું હતું તે અમને છોડવા કોચીન એરપોર્ટ આવ્યો, કોચીન એરપોર્ટ ઉપર મેં પૈસા કાઢી કહ્યું કંનન તારી બસનો ગ્લાસ રીપેર કરાવી લેજે, તેમ કહી મેં પૈસા તેની તરફ ધર્યા તેણે મને કહ્યું સાહેબ મેં કંપનીમાં ફોન કરી ગ્લાસનો ખર્ચ પુછયો કંપનીના મેનેજરે કહ્યું ગ્લાસ 1200 રૂપિયાનો આવશે એટલે તમે મને 3500 નહીં 1200 જ આપો, મને આશ્ચર્ય થયું કંનને મને આ ના કહ્યું હોત તો હું તેને 3500 આપવાનો જ હતો, પણ તેની પ્રમાણિકતા હ્રદયને સ્પર્શી જાય તેવી હતી. મેં તેને 1500 રૂપિયા આપ્યા અને કંનન જેવા નાના માણસના હ્રદયની વિશાળતાને વંદન કરી અમદાવાદ આવવા નિકળ્યા.

બીજા દિવસે સવારે અચાનક મારા ફોન ઉપર કંનનો ફોન આવ્યો તેણે મને પુછ્યું સાહેબ સારી રીતે અમદાવાદ પહોચી ગયાને,,, મેં કહ્યુ કંનન તારો આભાર તે  અમારી ખુબ સંભાળ લીધી અમને કોઈ તકલીફ પડી નહીં,  તેણે મને પુછ્યું તમારા આ ફોન નંબર ઉપર વોટસએપ છે મેં કહ્યું હા કેમ શું થયું તેણે મને કહ્યું અત્યારે હું વર્કશોપ આવ્યો છું, તમે મને પૈસા આપ્યા તેના કારણે મેં નવો ગ્લાસ બેસાડી દીધો છે, હું તમને ફોટો મોકલુ છું મેં કહ્યું કંનન તેની કોઈ જરૂર નથી તેણે કહ્યું ના સાહેબ તમે મારી ઉપર ભરોસો મુકયો અને પૈસા આપ્યા હું તમારો ભરોસો તોડી શકૂ નહીં, મને લાગ્યુ કે કાયમ આપણે વિચારીએ છીએ કે એક માણસ સારૂ કરે તો શું ફેર પડે છે પણ મને લાગે છે એક માણસ સારુ કરે તો પણ ફેર પડે છે તેનું કંનન ઉત્તમ ઉદાહરણ છે.