પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હેડીંગ વાંચતાની સાથે એક ક્ષણ થોડોક આઘાત લાગે છે. આપણે નિષ્પક્ષ હોવાની વાત એટલી બધી વખત સાંભળી છે. ખરેખર નિષ્પક્ષતા કોને કહેવાય તે જ ભુલી ગયા છીએ, છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા મિત્રો અને મને વાંચનાર મારી ઉપર આરોપ મુકે છે હું નિષ્પક્ષ નથી, હું ભાજપ વિરોધી છું અને કોંગ્રેસ તરફી છું, મારી આ ટીકાઓ વચ્ચે પણ હું જે માનું છું તે લખતો રહ્યો છું. ગુજરાત પોલીસના બનાવટી  એન્કાઉન્ટરો અંગે પણ મેં ખુબ લખ્યું ત્યારે મારી ઉપર આરોપ મુકયો કે હું પોલીસ વિરોધી છું, પણ આ દરિમાયન સારૂ કામ કરનાર પોલીસ અધિકારીઓની પણ એકસો કરતા વધારે સ્ટોરી મેં લખી ત્યારે કેટલાંક વાંચકોને આઘાત લાગ્યો, પહેલા તો તેમને મત હતો કે પોલીસ કઈ રીતે સારી હોઈ શકે અને બીજી નારાજગી એવી હતી કે હું કેવી રીતે પોલીસની પોઝીટીવ સ્ટોરી કરી શકું આમ એક જ સ્ટોરીને બે અલગ દ્રષ્ટીકોણથી જેવામાં આવી રહી છે.

આ થોડીક ઘટનાઓ એટલા માટે ટાંકી કારણ પત્રકાર નિષ્પક્ષ હોવો જોઈએ તેવી વ્યાપક ચર્ચા થાય છે. પત્રકારની જેમ પોલીસ અને ન્યાયાધીશ પણ નિષ્પક્ષ હોવા જોઈએ તેવો આપણ માત્ર આગ્રહ જ નહીં દુરાગ્રહ પણ હોય છે. ત્રીસ વર્ષ પહેલા જયારે પત્રકારત્વમાં આવ્યો ત્યારથી આજ સુધી મેં બે પ્રકારના પત્રકાર જોયા છે. એક તો સરકાર અથવા સામેવાળી વ્યકિત જે બોલે તે અક્ષરસહ પોતાની ડાયરીમાં નોંધી, તે પોતાના વાંચકો સામે મુકે છે. બીજો પત્રકાર મેં એવો જોયો કે સામેવાળી વ્યકિત જે કહે છે તે નોંધી તે ખરેખર સાચું કહે છે કે તેની સચાઈમાં કંઈક ખોટ છે, તે અંગે તપાસ કરી બંન્ને બાબત વાંચકો સામે મુકે છે. મારે કયા પ્રકારના પત્રકાર થવું તે મારે પસંદ કરવાનું હતું, જે પહેલો પ્રકાર છે તે ખુબ સલામત છે. તેમાં નોકરી આબરૂ અને પગારનું કોઈ જોખમ ન હતું, પહેલો પ્રકાર સ્ટોનોગ્રાફર જેવો છે.

સરકારી ઓફિસમાં  ઉચ્ચ અધિકારીઓને ત્યાં કામ કરતા સ્ટેનોગ્રાફરે પોતાનું મગજ દોડાવવાનું હોતું નથી. અધિકારી જે ડીકટેશન આપે તે લઈ તેને માત્ર શબ્દનું સ્વરૂપ આપવાનું હોય છે, પણ બીજો પ્રકાર છે તેમાં પત્રકારે ન્યૂઝની સાથે વ્યૂઝને પણ સામેલ કરવાનો હોય છે. જેના કારણે જેના માટે સમાચાર લખાય તે વ્યકિત નારાજ થવાની પુરી સંભવના છે. જો નારાજ થનારી વ્યકિત શકિતશાળી હોય તો તમારી નોકરી પણ જઈ શકે છે, આવું મારી સાથે એક ડઝન કરતા વધુ વખત થયું છે. છતાં મને પત્રકારનો બીજો પ્રકારનો રાશ આવી ગયો છે, પત્રકાર ક્યારેય કોઈને રાજી કરવા અથવા દુઃખી કરવા કંઈ કરતો નથી, પણ જે પ્રસિધ્ધ થાય છે તેના કારણે કોઈક રાજી તો કોઈ દુઃખી થાય છે તે સમાચારની બાય પ્રોડકટ છે. દરેક ઘટનાને જોવાનો અને તેને મુલવવાનો દરેક પત્રકારનો વ્યકિગત અધિકાર છે.

મારી ઉપર તેવો આરોપ છે કે હું નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી છું, સાથે કોંગ્રેસ તરફી છું, હું ખરેખર કોનો વિરોધી અને કોના તરફી છું તેવો પ્રશ્ન મને થાય ત્યારે મને લાગે છે. કે મારી ઉપર ભાજપ વિરોધી આરોપ મુકનારે મને કોંગ્રેસના સમયમાં કરેલુ રિપોર્ટીંગ વાંચ્યુ જ નથી. વર્ષોથી સુધી કોંગ્રેસનું શાસન રહેવાને કારણે રાજ્યમાં અરાજકતા હતી, મનમાં કયાંક એવું લાગતુ કે કોંગ્રેસનું શાસન જાય અને ભાજપનું શાસન આવે તો એટલે જ ત્યારે હું કોંગ્રેસ સામે આજે જેમ ભાજપ અંગે લખું છું તેવું કચકચાવી લખતો હતો. જો કોઈ મને પુછે કે આ વાતની સાક્ષી કોણ આપે તો હું કહીશ જો નરેન્દ્ર મોદી સાથે તમારે સંવાદ કરવાનો અવસર મળે તો તેમને જ પુછી લો. કોંગ્રેસ સત્તામાં હોવાને કારણે સ્વભાવીક રીતે કોંગ્રેસ સામે જ લખવાનું હતું, પ્રજાના પ્રશ્નો અને કોંગ્રેસની બદીઓ અંગે લખવાનું હતું ભાજપ ત્યારે સત્તા ઉપર જ ન્હોતી તો કઈ રીતે તમે ભાજપ સામે લખી શકો અને લખો તો પણ શું લખો.

વાત પત્રકારની નિષ્પક્ષતાની છે. થોડા દિવસ પહેલા બીબીસી ગુજરાતી દ્વારા અમદાવાદમાં ફેક ન્યૂઝ ઉપર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા વક્તા હતા. તે પૈકી એક સિનિયર પત્રકાર અને કટાર લેખત રમેશ ઓઝા પણ હતા. તેમણે કહ્યું પત્રકાર નિષ્પક્ષ હોઈ શકે તે વાત સાથે હું સંમત્ત જ નથી. પત્રકારે તો કોઈ એકનો પક્ષ લેવાનો જ હોય છે, પણ પત્રકાર કોનો પક્ષ લેશે તેવો પ્રશ્ન આવે ત્યારે પત્રકારે કાયમ વંચિત શોષીત અને છેવાડાના માણસની સાથે જ ઊભા રહેવાનું હોય છે. જેનો સીધો અર્થ એવો થાય કે પત્રકાર શાસનની સામે છે. મારા સિનિયર રમેશ ઓઝાની વાત સાથે સંપુર્ણ સંમત્ત છું. પત્રકાર નિષ્પક્ષ હોઈ જ શકે નહીં અને જે નિષ્પક્ષ હોય તે પત્રકાર હોઈ શકે નહીં કારણ તે પક્ષ લેતો નથી તો તે સ્ટેનોગ્રાફર છે. સંભવ છે કે ક્યારેક પત્રકારને વિષયને સમજવામાં અને મુલવવામાં ઉણો ઉતરી શકે છે. છતાં તેણે પોતાનો તો એક મત રાખવો જ જોઈએ અને પોતાનો મત રજુ કરવા જોઈએ.

મારા પોતાના ભુતકાળના અનેક મત આજે બદલાઈ ગયા છે. ખેર તો જુદો પ્રશ્ન છે. પત્રકારને સામાન્ય રીતે પુછવમાં આવતો પ્રશ્ન છે તમને શું લાગે છે. તેનો અર્થ વાંચકે સમાચાર તો વાંચી લીધા છે તેને ઘટનાની તો ખબર છે. પણ પત્રકાર પાસે જાણવા માગે છે કે તમારો મત શું છે, પણ પત્રકારોનો મોટો સમુહ  ખાનગીમાં અને મૌખિક રીતે જો પોતાનો સાચો મત કહે છે પણ જ્યારે તેને શબ્દો આપવાનો વખત આવે છે ત્યારે પોતાનો મત છુપાવે છે. આવી જ સ્થિતિ પોલીસ અને ન્યાયાધીશને પણ છે પોલીસ અને ન્યાયાધીશે પણ ન્યાય વાંચ્છુંઓની જ મદદ કરવાની હોય છે. પોલીસ ક્યારે એવુ કહી શકે નહીં કે હું નિષ્પક્ષ છું માટે ગુંડો અને સામાન્ય નાગરિક બંન્ને સરખા છે. પોલીસે પ્રજાનો પક્ષ લઈ ગુંડાને પાઠ ભણાવવાનો હોય છે. તેવી જ રીતે ન્યાયાધીશે પણ તેમની સામે રજુ થયેલા ફરિયાદી અને આરોપીના ચહેરા જોયા વગર માત્ર ન્યાયનો પક્ષ લેવાનો હોય છે. ન્યાયાધીશ નિષ્પક્ષ થઈ જાય તો ન્યાય થાય નહીં.

મને લાગે છે કે હું નિપષ્પક્ષ નથી અને મારે નિષ્પક્ષ થવું પણ નથી.