ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આખરે ચાંદીના ભાવમાં એટલું તંદુરસ્ત કરેક્શન આવ્યું છે, જ્યાંથી તેમાં રોકાણ કરવાનું આકર્ષણ થાય. પરંપરાગત રીતે ચાંદીને સોનાની જોરુ (પત્ની) ગણવામાં આવે છે, પણ છેલ્લા છએક મહિનાથી સોના સામે આ જોરુ જોરાવર બની ગઈ છે. તાજેતરમાં ટ્રેજરી બોન્ડના યીલ્ડ એટલા વધ્યા પરિણામે કીમતી ધાતુની તેજીને બ્રેક લાગી ગઈ, પણ રોકાણકારોએ ચાંદીને પડતી મૂકવાનો આ સમય નથી. ઘણા કોમોડિટી એનાલિસ્ટો માની રહ્યા છે કે ચાંદી અહીથી પાછી ફરવી જોઈએ અને એટલે જ ગત સપ્તાહે ફિજિકલ સિલ્વર ટ્રસ્ટ (પીએસએલવી) જેવા ફંડ પણ ગંભીર પણે રોકાણ કરવાનું વિચારવા લાગ્યા છે.

અહી એ નોંધવું યોગ્ય ગણાશે કે મોટાભાગની સિલ્વર માઈનીગ કંપનીઓ તેમનો મહત્તમ નફો હાલમાં અન્ય મેટલમાંથી તારવી લીધો છે. તેથી તેઓ વર્તમાન નિચા ભાવે ચિંતિત નથી. જગતમાં ફુગાવાના સંકેતો મળવા શરૂ થયા છે, આ જોતાં ટૂંકાગાળામાં ચાંદીનો વેપાર સૌથી ઉત્તમ ગણાશે. છૂટક રોકાણકારો આ વર્ષના આરંભમાં ચાંદી પ્રત્યે આકર્ષિત થયા અને ૧ ફેબ્રુઆરીએ ભાવ ૩૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) વટાવી ગયા. 


 

 

 

 

 

બસ ત્યાર બાદ મુખ્યધારાના મીડિયા તેના સમાચારથી અલિપ્ત થયા. અલબત્ત, ફિજિકલ રોકાણમાં જેમને રસ હતો તેઓ તો એ ભાવે પણ લેણમાં હતા. આનો અર્થ એ થાય કે ચાંદીની તેજીને ઘણી મજલ કાપવાની બાકી છે. ગત સપ્તાહે યુએસ ફેડરલ રિજર્વના ચેરમેન જેરોમ પોવેલે એક રોજગાર સંમેલનમાં કહ્યું હતું કે તાજેતરમાં સરકારી બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે પણ આ કઈ લાંબુ ચાલવાનું નથી. તેમણે કહ્યું કે અમેરિકન ઈકોનોમીને સંપૂર્ણ સ્વસ્થ થવાની હજુ વાર છે. 

જેરેમ પોવેલના વક્તવ્ય પછી તુરંત ૧૦ વર્ષના અમેરિકન બોન્ડનું યીલ્ડ વધીને ૧.૫ ટકા થયું હતું. ટૂંકાગાળામાં ચાંદી તમને સારો ભાવ આપી શકે છે. એ વાત સાચી કે જગતભરમાં અત્યારે ચાંદીની અછત છે. અસંખ્ય સિલ્વર રિફાઇનરીને કાચો માલ મળતો નથી. આ જોતાં તમારા હાથમાં ફિજિકલ ચાંદી હોવી એ નસીબની વાત છે. જો આ વર્ષે સપ્લાયના તર્કથી જોઈએ તો પણ સોના સામે ચાંદીને વધવાની ઊજળી તક છે, તદુપરાંત હવામનમાં બદલાવની સમસ્યા પણ સોના કરતાં ચાંદીને વધવાની તક પૂરી પાડશે.

ગત સપ્તાહે બુલિયન માર્કેટ તબક્કાવાર ઘટી ગઈ અને ચાંદીએ પણ શુક્રવારે એક તબ્બકે ૨૫ ડોલરની સપાટી ગુમાવી ૨૪.૮૫ ડોલર થઈ હતી. પણ આ ભાવે રોકાણકારોએ ચાંદીને પકડી લીધે અને ભાવ થાય ૨૫.૨૮ ડોલર. આ તબક્કે લાગી રહ્યું છે કે ચાંદી ફરી ૨૮ ડોલરની રાહે વહેલા મોડી નીકળી પડશે. શક્ય છે કે ચાંદીને વર્તમાન સમયમાં ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડે. પણ જો ૨૮ ડોલરની મહત્વનું રેસિસ્ટન્સ તોડી નાંખશે તો બજાર ૩૦ ડોલરના લક્ષ્યાંકને સિધ્ધ કરવા નીકળી પડશે.


 

 

 

 

 

મે ચાંદી વાયદાએ ગત સપ્તાહાન્તે ૨૪.૮૫ ડોલરનું ૧૮ જાન્યુઆરીનું તળિયું બનાવ્યું. જો ટૂંકાગાળાના ટેકનિકલ લેવલ જોઈએ તો ચાંદીના તેજી મંદિવાળા અત્યારે સમાંતર સમતુલા જાળવીને બેઠા છે. આ એવી બજાર છે જ્યાં તમારે સાવધ રહેવાની જરૂર છે, બીજા શબ્દોમાં કહીએ તો તમારી લેણ કે વેચાણની પોજીશન વાજબી સ્તરે રાખવાની જરુર છે. ચાંદી એ આમ તો ઉછળકુદ કરતી સટ્ટાની ખૂબ જ જોખમી જાત છે. આ એક બહુમુખી ધાતુ છે, તે આખરે ઔધ્યોગિક અને મોનિટરી મેટલ છે.       

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)