પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હમણાં 20મી જુલાઈના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં એક સરસ કાર્યક્રમ યોજાઈ ગયો, સરસ એટલા માટે કહુ છું કારણ આ પ્રકારના કાર્યક્રમો તો બહુ થાય પણ બીજાની ચિંતા કરનાર પ્રકાશ ન શાહની ગુજરાતીઓએ ચિંતા કરી, કાર્યક્રમના આયોજકો જુદી જુદી રીતે ઘણા હતા, પરંતુ જવાબદારીનો મોટો હિસ્સો ઉર્વીશ કોઠારી અને તેની ટીમો ઉપાડયો હતો. આ કાર્યક્રમનું નામ પ્રકાશોત્સવ રાખવામાં આવ્યું હતું. તેનું કારણ એવું હતું કે 80 વર્ષીય પ્રકાશ ન શાહનું નાગરિક અભિવાદન રાખવામાં આવ્યું હતું, અત્યંત ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ લેનાર પ્રકાશ શાહને કયારેય શ્રીમંતાઈ સ્પર્શી નહીં અને રૂપિયા સાથે લગાવ થયો નહીં. આજે ઘણા તેમને ભાજપ અને નરેન્દ્ર મોદીના વિરોધી માને છે પરંતુ કટોકટીમાં ઈન્દીરા ગાંધીના શાસનનો તેઓ રીતે વિરોધ કરતા હતા, જો કે નરેન્દ્ર મોદી ત્યારે જેલમાં ગયા ન્હોતા, પરંતુ આજે નરેન્દ્ર મોદીના જેમને વિરોધી ગણવામાં આવે છે તેવી જમાતના એક ડઝન કરતા વધુ લોકો જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પ્રકાશ ન શાહને પહેલા પાલનપુર અને પછી વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા.

ખેર આ તો આડ વાત એટલે થઈ કે પ્રકાશ ન શાહ ત્યારે જે માનતા હતા અને આજે જે માને છે તેની ઉપર તે હંમેશા વળગી રહ્યા છે. બાકી પરિસ્થિતિ અને સંજોગોને કારણે મેં અનેકોને બદલાતા જાય છે, પણ 80 વર્ષે પણ મનમાં કોઈની પણ પ્રત્યે કડવાશ રાખ્યા વગર તેમની અંદરની લડાયકતાને તેમણે જીવતી રાખી છે, જેના ભાગ રૂપે જ નાગરિક અભિવાદન રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સારા માણસ મરી જાય ત્યારે  બાદ તેમના બેસણમાં હકડેઠેક માણસોથી ઉભરતા હોલમાં જોયા છે. પણ પ્રકાશ ન શાહ જેવો માણસ જેને ચહેરો બતાવવાથી કોઈ લાભ થવાનો નથી તેમ છતાં પ્રકાશ ન શાહના નાગરિક અભિવાદન કાર્યક્રમમાં આખો તો ભરાઈ ગયો પણ હોલની ક્ષમતા કરતા વધુ લોકો આવ્યા હોવાને કારણે હોલના પગથીયા ઉપર બેસી લોકોએ તેમનું અભિવાદન કર્યુ, સુંદર કાર્યક્રમ હતો, મોક કોર્ટનું આયોજન થયું હતું.

આરોપીના પાંજરામાં ખુદ પ્રકાશ ન શાહ હતા તેમના લખાણો, સરકાર વિરોધી (જેને હવે દેશ વિરોધી પ્રવૃત્તી ગણવામાં આવે છે) પ્રવૃત્તીઓ કુકરમાં ચા બનાવવાની ઘટના અને એક એકટર તરીકે પ્રકાશ ન શાહને રજુ કરવામાં આવ્યા હતા. વકિલ તરીકે આરોપ મુકનાર ઉર્વીશ કોઠારી હતા. જ્યારે સાક્ષી તરીકે રજુ થનારમાં રતીલાલ બોરીસાગર આશીષ મહેતા, મનિષી જાની અને અશ્વીન ચૌહાણ સહિત પ્રકાશ ન શાહના પત્ની નયનાબહેનને રજુ કરવામાં આવ્યા હતા. જજ તરીકે હસમુખ પટેલ (પુર્વ શિક્ષણ મંત્રી નહીં) હતા. તેઓ પણ પ્રકાશ ન શાહ જેવા વર્ષો પછી પણ રહ્યા છે. કટોકટીમાં તેઓ પણ પ્રકાશ ન શાહ સાથે જેલ યાત્રી રહ્યા હતા. આમ કોર્ટ પ્રકાશ ન શાહ ઉપર હાસ્યનો ફુવારાઓ વચ્ચે આરોપો મુકાઈ રહ્યા હતા. કદાચ આખી ઘટનાને શબ્દચિત્ર દ્વારા રજુ કરવુ મુશ્કેલ છે પણ કાર્યક્રમના અંતે સન્માનનિધિ અર્પણ કરવાની હતી.

પ્રકાશ ન શાહને સન્માનનિધીમાં પંદર લાખ રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા, મને ખબર છે કે પ્રકાશ ન શાહની સન્માનનિધિમાં કઈક આપો તેવી ઉર્વીશ કોઠારીની અપીલ વિવિધ રીતે અનેક મિત્રોને મળી ત્યારે અનેકના મનમાં સવાલ હતો કે ખરેખર પ્રકાશ ન શાહને પૈસાની જરૂર છે. અમદાવાદના સમૃધ્ધ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં વડીલોપાર્જીત બંગલામાં પ્રકાશ ન શાહને પૈસાની જરૂર છે તેવો પ્રશ્ન થવો સ્વભાવીક છે. પણ ઉર્વીશ કહે છે આ પ્રકાશ ન શાહને મદદ નથી સન્માનનિધિ તેમને કરેલા કામની કદર છે. મારો વ્યકિતગત અનુભવ પણ રહ્યો છે, જયારે ચાર વર્ષ પહેલા પત્રકારોના પગાર ધોરણ માટેની લડાઈ લડયો અને મારો પગાર બંધ થઈ ગયો, ત્યારે હું એકદમ આર્થિક સંકડામણમાં આવી ગયો હતો, ખીસ્સા અને બેન્ક બેલેન્સ ખાલી થઈ ગયા હતા, આ વખતે મને અનેક મિત્રો પુછતાં કોઈ મદદની જરૂર હોય તો કહેજે, પણ મારે જરૂર છે તેવી કહેવાની મારી હિંમત કયારેય થઈ નહીં.

સારો માણસ મરતા સુધી સારો રહે તેવી આપણી અપેક્ષા હોય તો તે સારી રીતે જીવી શકે તે જોવાની પણ જવાબદારી આપણી છે, પ્રકાશ ન શાહને પૈસાની જરૂર છે કે નહીં તેની મને આજે  પણ ખબર નથી, પણ ઉર્વીશ કહે છે આ મદદ નથી કદર છે, અને કદર માત્ર શબ્દોથી નહીં પૈસા સ્વરૂપે પણ થવી જોઈએ કારણ પ્રકાશ ન શાહના પત્ની નયનાબહેન કરિયાણાવાળાને ત્યાં જાય ત્યારે દુકાનવાળો પ્રકાશ ન શાહ સારા માણસ છે માટે કરીયાણુ મફત આપતો નથી. તે જે રિક્ષામાં ફરે છે તેને ભાડુ આપવુ જ પડે છે, પ્રકાશ ન શાહને જરૂર હશે આપણે આપીશુ અથવા તેમને શું જરૂર છે તેવો પોતે જ પુછાયેલા પ્રશ્નનો ઉત્તરનો જવાબ પોતે જ આપી આપણો હાથ પાછળ લઈ લેવો તે વાજબી નથી. વાત માત્ર પ્રકાશ ન શાહ પુરતી સિમીત નથી આપણી પાસે સદ્દનસીબે આવા અનેક પ્રકાશ શાહ જુદા જુદા સ્વરૂપે છે તેની ચિંતા આપણે પૈસામાં કરવી પડશે, પ્રકાશ ન શાહને મળેલી પંદર લાખની માનનિધિની તેમને જરૂર નહીં હોય તેઓ અચુક કોઈ સારા કામમાં કોઈને આપી દેશે પણ આ રકમનું તેઓ શું કરશે તે તેમને નક્કી કરવા દો.

પ્રકાશ ન શાહનું ખરા અર્થમાં નાગરિક અભિવાદન થયુ એટલા માટે મને લાગે છે કે જે પંદર લાખની નિધિ એકત્રીત થઈ તેમાં કૃષ્ણકાંત વખારીયા અને વિપુલ કલ્યાણીને બાદ કરતા બાકીના કદરદાનો હતા. તેમની રકમ એકસો-બસો-પાંચસો જેવી સાવ સામાન્ય રકમ હતી છતાં પંદર લાખ રૂપિયા થયા અહિયા લાગે છે. જાણિતા કવિ ધુની માંડલીયાના જાણિતિ પંકિત હે હવા તારી શખાવતને સલામ કયાંય તારા નામની તકતી નથી સાથે વિરમુ છું.