મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કલેક્ટર બનવાનું સપનું પરંતુ બીજા છેડે બ્રેઈન ટ્યૂમરની ગંભીર અને દુઃખદાયી પીડા તેના સપનાઓનું રોડું બની રહ્યા છે. જોકે આપણે માણસ છીએ અને એક બીજાની પીડામાં સહભાગી થતા અને લોકોને ખુશીનો સમય આપતા આપણને આવડે છે. આવું જ કાંઈક અમદાવાદમાં બન્યું છે.

અમદાવાદમાં 11 વર્ષની એક બાળકીની કલેક્ટર બનવાની ઈચ્છા અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેએ પુરી કરીને સંવેદનશીલતાનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી ફ્લોરા આસોડિયા નામની એક બાળકીને છેલ્લા કેટલાય સમયથી બ્રેઈન ટ્યુમર નામની ગંભીર બીમારીથી પીડાય છે. ફ્લોરા અભ્યાસમાં હોંશિયાર છે અને તેને ભણીગણીને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. જો કે આ બીમારીને ચાલતા તેની આ ઈચ્છા પુરી થશે કે નહીં તે મોટા પ્રશ્ન હતો.


 

 

 

 

 

ફ્લોરની આ ઈચ્છાની જાણ અમદાવાદ સ્થિત મેક વિશ ફાઉન્ડેશનને જાણ થતા તેમણે અમદાવાદના કલેક્ટરને આ બાળકીની ઈચ્છા વિશે જણાવ્યું હતું. આ વાતની જાણ થતા અમદાવાદ કલેક્ટરે ફ્લોરાની ઈચ્છા એક દિવસ માટે પુરી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ સંદીપ સાગલે ફ્લોરાને પોતાની ગાડીમાં કલેક્ટર ઓફિસ સુધી લઈને આવ્યા, ઓફિસમાં તેને કલેક્ટરની ખુરશી પર બેસાડી અને અલગ અલગ સરકારી યોજનાઓના લાભ લોકોને ફ્લોરાના હાથથી અપાવ્યા.

એક દિવસ માટે કલેક્ટર બનેલી ફ્લોરાએ ' વ્હાલી દીકરી યોજના ' અને ' વિધવા સહાય યોજના ' ના લાભાર્થીઓને લાભ વિતરણ કર્યું હતું. બાળપણથી જ કલેક્ટર બનવાનું સપનું લઈને જીવતી ફ્લોરાનું આ સપનું એક દિવસ માટે પૂર્ણ થતા હવે તે પહેલા કરતા પણ વધુ જુસ્સા સાથે બ્રેઈન ટ્યુમર નામની જીવલેણ બીમારી સામે લડશે અને તેને હરાવીને કાયમી કલેક્ટર બનીને પ્રજાજનોની સેવા કરવા સક્ષમ બનશે તેવો તેના પરિવારને વિશ્વાસ છે.

એક દિવસની કલેક્ટર ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાએ જણાવ્યું હતું કે , " મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ? અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની જેના કારણે અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે."

આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, "   ફ્લોરા છેલ્લા સાત માસથી બ્રેઈન ટ્યુમરથી પીડાય છે, નાનપણથી જ ભણવામાં તેજસ્વી એવી ફ્લોરાને કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા છે. મેક અ વીશ ફાઉન્ડેશન દ્વારા મને જાણ થઈ કે આ દીકરી બ્રેઈન ટ્યુમરથી પીડાય છે, અને તેને કલેક્ટર બનવાની બહુ ઈચ્છા છે. મેં પળનો પણ વિલંબ કર્યા વિના મારા અધિકારીઓને તેના ઘરે મોકલીને ફ્લોરાની આ ઈચ્છા પુર્ણ કરવાની તૈયારી બતાવી. દીકરીની નાજૂક તબિયતના પગલે તેના માતા પિતા થોડી અવઢવમાં હતા. તેમના પરિવારજનો કદાચ મારી સામે આ રજૂઆત કરવામાં સંકોચ અનુભવી રહ્યા હતા. પણ મેં કહ્યું કે, આખુ જિલ્લ્લા વહીવટી તંત્ર તૈયાર છે બસ તેને એક દિવસ કલેક્ટર કચેરીમાં લાવો. તેના માતા પિતા તૈયાર થયા અને તેમના સહયોગ અને ઈચ્છાથી ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનાવી શકાઈ. જિલ્લાના વડા તરીકે આ દીકરીની ઈચ્છા સાકાર કરવાનો મને અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. "