મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરથી માત્ર ૧૨ જ કિમી દુર આવેલ ૧૧૦૦ માણસોની વસ્તી ધરાવતા ચેખલારાણી ગામમાં આજે પણ એક પણ બસ નથી આવતી કે ગામમાં જવાની રીક્ષા પણ નથી મળતી. આ ગામના લોકો  કહે છે વર્ષો પહેલા બસ આવતી હતી પણ હવે નથી આવતી. આ ગામમાં જે લોકો પાસે વાહન નથી એ લોકોને ૩ કિમી ચાલીને મુખ્ય રોડ પર જવું પડે છે અને ત્યાંથી  ગાંધીનગર કે અન્ય કોઈ જગ્યાએ તેઓ પહોંચી શકે છે.

ગામમાં પ્રવેશતાની સાથે ઉકરડા જોવા મળ્યા હતા અને પ્રાથમિક શાળાની દીવાલ જોડે જ હતા અને ગામના મુખ્ય રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી હતી. ગામમાં બોરવેલથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ગામમાં એક માત્ર પ્રાથમિક શાળા આવેલી છે જેમાં ૧૩૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને ગામમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ગામમાં સરકાર દ્વારા ઓરમાયું વર્તન થતું હોય એવું લાગે છે, કારણ કે જો બાળક ૮મુ ધોરણ પાસ કરે તો તેને ફરજીયાત ચાલીને કે સાયકલ લઈને જવું પડે. છોકરાઓ તો કદાચ અપડાઉન કરી લે પણ જો કોઈ છોકરીને વધુ અભ્યાસ કરવો હોય તો ગાંધીનગરના આ ગામમાં રહીને ભણવું એક મોટો પડકાર બને.

ગામની બિસ્માર હાલતમાં રહેલી ગ્રામ પંચાયત ઓફીસ બુધવારે પણ બંધ હતી જ્યાં તલાટી કે અન્ય કર્મચારી કે સભ્ય હાજર ન હતા. આ મુદ્દે સ્થાનિક લોકોએ જણાવ્યું કે તલાટી અહિયાં ચાર્જમાં છે અને અઠવાડિયે એક વાર આવે છે.