કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થાશે. આવી જ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બની જ્યાં પુત્રના જન્મના બીજા દિવસે પિતા નવી બનતી ઇમારત પર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પટકાયા હતા અને ચોથા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતાના જહાંગીરપુરા વિસ્તારમાં નવી બની રહેલ સાઇટ ગ્રીન ટુલીપ્સમાં કામ કરતા દિલીપ કેસરસીંગ મુવેલ (ઉંમર વર્ષ 20, મૂળ રહે, મધ્ય પ્રદેશ) ગત 2 મે ના રોજ સાંજના સમયે સામાન મુકવાની લિફ્ટમાં બેસી ઇમારત પર જઇ રહ્યા હતાં. દરમિયાન ત્રીજા માળેથી માલ ઉતાર ચઢાવવામાં વપરાતી લિફ્ટમાંથી પગ લપસી દિલીપ જમીન પર પટકાયો હતો. જેના લીધે દિલીપ મુવેલને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા 4 તારીખે સારવાર દરમિયાન દિલીપ મુવેલનું કરૂણ મોત નીપજ્યું હતું. આમ જન્મના ચોથા દિવસે પિતાનું મોત થતાં નવજાત બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. 

પુત્રના જન્મ બાદ દિલીપની પત્ની વતન મધ્ય પ્રદેશ જવાની હતી. આ પહેલા પતિનું ઇમારતની લિફ્ટમાંથી પટકાતા મોત થતાં તેના પર અને નવજાત બાળક પર આફત આવી પડી છે. દિલીપ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાથી હવે આ પરિવારનું ગુજરાન કરવાની પણ સમસ્યા સર્જાશે. જહાંગીપુરા પોલીસે આ મામલે કેસ દાખલ કરી દિલીપના મોત મામલે વધુ તપાસ હાથધરી છે.