મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દીકરીને શક્તિ સ્વરૂપ માનતા દરેક વ્યક્તિ માટે આ એક ગર્વ લેવા જેવી ઘટના છે અને દીકરી ન થાય તે માટે ગર્ભપરિક્ષણ કરાવી કુખમાં જ હત્યા કરતા લોકો માટે આ એક જાગૃત કરતો બનાવ છે. એક સહજ પણ સૂચક એવી ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં એક પરિવારે આઠમના દિવસે પોતાની શક્તિ સ્વરૂપ દીકરીની પૂજા કરી છે. તેમણે આ આઠમે અન્ય બીજા ઘણા શુભ કાર્યો કર્યા જે પૈકીનું આ એક હતું.

અમદાવાદના લીલાધર ખડકે જે મૂળ મહારાષ્ટ્રીયન છે અને એક સામાજિક કાર્યકર છે. તેમનું કહેવું છે કે મારી દીકરી ધાર્મી ગુરુ પૂર્ણિમાના દિવસે જન્મી ત્યારથી જ તેને ગુરુ માની લીધી હતી. મારું નવું ઘર લેવાનું સપનું વર્ષોથી હતું જે ધાર્મીના આવ્યા પછી પુરું થયું છે. અમે નરોડા હરિદર્શન ચાર રસ્તા પાસે નવું ઘર લીધું જ્યાં આ આઠમે દીકરીની પુજા કરી હતી. સાથે જ નવા ઘરમાં ગૃહપ્રવેશ કરી ઘડુલીયો મુક્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ અવસરે દીકરીની પુજા કરવાની બાબત સહુ પરિવારે સાથે મળીને નક્કી કરી હતી. મારી છેલ્લા એક વર્ષથી ઘર લેવાની ઈચ્છા હતી, જે દીકરી ધાર્મીના જન્મના 15 દિવસમાં જ પુરી થઈ. દીકરીના પગલા મારા ઘરને ફળ્યા છે જે ખરેખર લક્ષ્મી સ્વરૂપે અમને મળી છે.

ઉલ્લેખનીય છે કે સહજ લાગતી આ ઘટના એ લોકો માટે પ્રેરણા દાયી છે જે આજના યુગમાં પણ દીકરીઓ અને દીકરાઓ વચ્ચે એવી ભેદરેખાની માનસીકતા ધરાવે છે કે તે માનસીકતા તેમને દીકરીની ગર્ભમાં જ હત્યા કરી દેતા પણ અટકાવી શકતી નથી. ખુદ તો દેવી-માતાજીને પુજતા હોય પણ ઘરે જ્યારે ખુદ શક્તિ સ્વરૂપ અવતરવાનું હોય ત્યારે કેટલાય વિધિ-તિથિ તંત્ર-મંત્ર કે તબીબની મદદથી તેને ટાળવાના પ્રયત્નો કરતા હોય છે. (વીડિયો અહીં રજુ કર્યો છે)