મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા:  મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઘટીને 384.5 ફૂટ થતાં કિનારા અને બેટ ખુલ્લા થતાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખૂલતાં  ભક્તોએ દર્શન લીધો હતો.

મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં ડેમમાં 31% પાણીનો જથ્થો જોવા મળતાં જળ સંકટનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ લોકોની આસ્થા સાથે સંકળાયેલા ડેમની વચ્ચે આવેલી ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે ડેમના નિર્માણ દરમિયાન ડુબાણમાં ગયું હતું. એ ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતાં આ નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખુલ્લાં થતાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. 

Advertisement


 

 

 

 

 

એક લોકવાયકા મુજબ, કડાણા ડેમના નિર્માણ પહેલાં અહીં મહિપૂનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ ત્યાર બાદ ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલિયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતાં આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખૂલતાં ભક્તોએ દર્શન કર્યા હતાં. 

કડાણા ડેમ બન્યાને આજે 50 વર્ષ ઉપર વર્ષો વીત્યાં છે ત્યારે આટલાં વર્ષો દરમિયાન અનેક વખત મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ પણ ગુફામાં આવેલું શિવલિંગ છૂટું હોવા છતાં એના એ જ સ્થાને બિરાજમાન હોઈ શ્રદ્ધાળુઓમાં ગુફામાં આવેલા શિવજીના મંદિર પ્રત્યે એક વિશેષ આસ્થા છે.

Advertisement