મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યભરની પોલીસને ૧૦ જાન્યુઆરીથી ૯ ફેબુ્રઆરી સુધી એક મહિના દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ યોજીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તાકીદ કરી હતી. જેમાં રાજ્યની પોલીસે ૮૪૫ નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ ૪૮ નાસતા-ફરતા અને ખૂંખાર આરોપીઓને દબોચી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. જેમાં કેટલાક આરોપીઓ તો વર્ષોથી ફરાર હતા.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની સ્થાનિક ચૂંટણીઓ અગાઉ વર્ષોથી પકડાયા ન હોય તેવા ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી લેવાની ઝૂંબેશ સફળ રહી છે. એક જ મહિનામાં જીલ્લા પોલીસે ૪૮ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધાં છે. જેમાં વર્ષોથી ન પકડાયા હોય તેવા આરોપીઓને મોટી સંખ્યામાં ઝડપી લીધા હોય તેવી સફળતા અરવલ્લી પોલીસને પહેલી વખત મળી છે. જીલ્લા પોલીસતંત્રએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઠેર ઠેર દરોડા પાડ્યા હતા. જીલ્લા પોલીસ અન્ય રાજ્યોમાંથી ૧૨ રીઢા આરોપીઓ, જીલ્લા બહારથી ૧૧ તેમજ અરવલ્લી જીલ્લામાંથી ૨૫ નામચીન નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે કાર્યશીલ બની છે.


 

 

 

 

 

જીલ્લા પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ૨૧ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં એક આરોપી ૧૨ વર્ષથી અને ૮ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યા હતા. મોટા ભાગના આરોપીઓ રીઢા ગુન્હેગાર હતા ઘરફો ચોરીના -૯, ઉચાપત-ઠગાઈના ગુન્હાના-૭, અપહરણના ગુન્હાના-૩, મહિલા અત્યાચારના-૩ અને મારામારી તેમજ અન્ય ગુન્હાના-૨ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.