મેરાન્યૂઝ નેટવર્ક. ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાના દ્વીપ લૂમ્બોકમાં રવિવારે આવેલા ભૂકંપના ૭ તીવ્રતા સાથેના આંચકામાં અંદાજીત ૮૨ લોકોના મોત થવા સાથે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણી ઈમારતોને ભારે નુકશાન થયું છે.

ઈન્ડોનેશિયાના દ્વીપ લૂમ્બોકમાં રવિવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેમાં અંદાજીત ૮૨ લોકોના મોત થવા સાથે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણી ઈમારતોને થયેલા ભારે નુકશાનના કારણે સ્થાનિક લોકો અને પર્યટકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા ૭ જેટલી હતી અને તેનું કેન્દ્ર લૂમ્બોકના ઉત્તર ક્ષેત્રમાં જમીનથી માત્ર ૧૦ કિલોમીટર નીચે હતું. જ્યારે એક અઠવાડિયા પહેલા લૂમ્બોક દ્વીપ ઉપર આવેલા ભૂકંપમાં ૧૨થી વધારે વ્યક્તિઓના મોત થયા હતા.

તપાસ અને બચાવ એજન્સીના એક વરિષ્ઠ અધિકારી અગુંગ પ્રામુજાએ જણાવ્યું હતું કે, ભૂકંપ પછી કરાયેલી સુનામીની ચેતવણી રદ કરી દેવામાં આવી છે. પરંતુ આ ભૂકંપ પછી હવે સામાન્ય સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપથી દેનપસારમાં પણ ઈમારતોને થયેલા નુકશાનમાં એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટના ટર્મિનલ ઈમારતનો પણ સમાવેશ થાય છે. મૌસમ વિજ્ઞાન, જળવાયું વિજ્ઞાન અને ભુમૈતિકી એજન્સીના અધિકારી ડી. કર્ણાવતીએ કહ્યું છે કે, સુનામીની ચેતવણી ત્યારે પછી લેવાઈ જ્યારે સુનામીની લહેરો ત્રણ ગામોમાં માત્ર ૧૫ સેમી. નોધાઇ હતી.

લૂમ્બોકના ઈમર્જન્સી વિભાગના અધિકારી ઇવાન અસ્મારાએ કહ્યું છે કે, આ વખતે લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા.જ્યારે ઈન્ડોનેશિયાના આપત્તિ નિયંત્રક એજન્સીના પ્રવકતા સુતોપો પુરવો નુગ્રોહોએ જણાવ્યું છે કે, શહેરમાં ક્ષતિગ્રસ્ત થયેલી મોટાભાગની ઈમારતોમાં હલકી કક્ષાની બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે. જ્યારે સુરક્ષા સંમેલન માટે લૂમ્બોક આવેલા સિંગાપુરના ગૃહ મંત્રી કે.શનમુગને ફેસબુક ઉપર બતાવ્યું છે કે, તેમની હોટલના ૧૦માં માળે આવેલો રૂમ કેવી રીતે હલી રહ્યો છે.