મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ પવિત્ર શ્રાવણ માસ બેસતાં જ જુગારીઓ માટે જાણે મોસમ આવી હોય એમ ઠેર-ઠેર જુગારની હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. અરવલ્લી જીલ્લામાં સાતમ-આઠમ પર ઠેર ઠેર લાખ્ખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. અરવલ્લી જીલ્લામાં ચાલુ શ્રાવણ માસમાં જાણે શકુનિઓએ જુગાર રમવાનું છોડી દીધું હોય તેમ પોલીસતંત્રની નજરથી દૂર રહેતા પોલીસતંત્રનો ડર કે પછી દેશી-વિદેશી દારૂની જેમ શ્રાવણીઓ જુગાર પોલીસતંત્રની મીઠી નજર હેઠળ તો ખેલાઈ રહ્યો નથી ને...? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ધનસુરાના વડાગામમાં રહેણાંક મકાનના પાછળના ભાગે કેટલાક શકુનિઓ એકઠા થઈ પૈસા પાનાંનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ધનસુરા પોલીસે રેડ પાડી ૮ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી ૮૭,૫૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે છાપો મારતા શકુનિઓમાં ભારે નાસભાગ મચી હતી. વડગામમાં જુગારની બદીએ અનેક માલેતુજાર લોકોને રોડ પર લાવીને મૂકી દીધા છે.

ધનસુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ બાતમીના આધારે વડાગામની નવરંગ સોસાયટીમાં રહેતા વિરેંદ્ર અચ્છેલાલ નિસાદના રહેણાંક મકાનના પાછળના ભાગે જુગાર રમતા મકાન મલિક (૧) વિરેંદ્ર અચ્છેલાલ નિસાદ (૨) ગોરખનાથ અચ્છેલાલ નિસાદ (૩) જોગીંન્દર પન્નાલાલ નિસાદ (૪) મનોજ બાલકિંશન રાજભર (તમામ, રહે. વડાગામ), તથા (૫) વિક્રમભાઇ ચતુરજી પરમાર રહે નાની બોરવાઇ તા.ધનસુરા (૬) મહેશભાઇ બાબુભાઇ પરમાર, (૭) દિપકભાઇ લક્ષ્મણભાઇ સુથાર (૮) રણજીતભાઇ લલનપ્રસાદ પ્રજાપતિ (ત્રણે રહે, સોનાપુર, વડાગામ) ને ગે.કા. હારજીતની બાજીમાં લગાવેલ રૂ. ૧૬૨૪૦/- તથા કેટ નંગ-૧ કિં.રૂ. ૨૦/- , મોબાઇલ નંગ-૯ કિં.રૂ. ૧૯૫૦૦/- તથા મો.સા નંગ-૨ કિં.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮૫૭૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ૮  શકુનિઓ  વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.