મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ‘વોટ તો આપવો જ જોઈએ...ભલે ગમે તે થાય...’ ઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે પરંતુ હજી એમનો જુસ્સો અકબંધ છે. ૧૦૦ વર્ષ વટાવીને અનેક ચૂંટણીઓ તેમણે જોઈ છે એટલું જ નહીં પરંતુ મતદાન પણ કર્યું છે...” લીલાબેનને ચાર દીકરા અને એક દીકરી છે... જો કે અહીં તેમના પુત્ર વિનોદભાઈ સાથે રહે છે... બાકીના દીકરા વિદેશ રહે છે. 
મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે ૧૦૧ વર્ષ છે પરંતુ તેમના અવાજમાં મતદાનની મહત્તાનો રણકો છે. જૈફ વયે આજે પણ નવયુવાનોને પણ પ્રેરણા આપે તેવી રીતે દૃઢતાપૂર્વક કહે છે કે મત તો આપવો જ જોઈએ.

લોકસભાની ચૂંટણી એપ્રિલ માસમાં યોજાવાની છે. મહત્તમ મતદાન થાય તે માટે જાગૃતિ કેળવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા  સુગ્રથિત પ્રવૃત્તિ કરાય છે, અનેક શિબેરો યોજીને આ માટે પ્રયાસો પણ કરાયા છે. નાગરિકો તથા પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાનો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે દિશામાં અનેક પ્રયાસો કરાયા છે. તેવા સમયે ૧૦૦ વર્ષથી વધુ વયના મતદારોનો આવો જુસ્સો આપણા સૌ માટે પ્રેરક બને છે.

અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર આવેલા છે અને આ તમામ વિસ્તારોમાં  ૭૧૯ જેટલા શતાયુ મતદારો એટલે કે ૧૦૦ અથવા ૧૦૦થી વધુ વય જૂથના છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ૩૫ શતાયુ મતદારો છે. ઘાટલોડિયામાં રહેતા ઉમીયાબેન ઉંમરની સદી વટાવી ચુક્યા છે પણ તેઓ પણ મતદાનને અનિવાર્ય ગણાવે છે. આમ તો ઉમીયાબેન મુળ અમદાવાદ જિલ્લાના દેત્રોજના વતની છે. અમદાવાદમાં સ્થાયી થયેલા ઉમીયાબેનને સાત દિકરા અને એક દીકરી છે.. વિશાળ પરિવાર સાધન સંપન્ન છે સાથે સાથે સામાજિક રીતે પણ જાગૃત છે.

તેઓ કહે છે કે, ‘૧૯૭૭માં મારા પતિનું અવસાન થયું, તેના બીજા જ દિવસે ચૂંટણી હતી અને હું બેસણાના દિવસે મતદાન કરવા ગઈ હતી...’ એમ ઉમેરતા વયોવૃધ્ધ ઉમીયાબેન કહે છે કે, આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી પરંતુ મતદાન કરવું જઈએ તો સારો માણસ ચૂંટાય..

આજ રીતે અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા વયોવૃધ્ધ મતદાર સીતાબેન ઠાકોર પણ કહે છે કે મેં તો બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે... મને હમજાતું નથી કે આજના ઘણા લોકો મતદાન કરવા કેમ નથી જતા...? આવો પ્રશ્નાર્થ તેમના ચહેરા પર એક પ્રકારની ચિંતાને દર્શાવે છે. 

અમદાવાદ જિલ્લાના બાવળાના  મંગુબેન પ્રહલાદભાઈ પટેલ  આશરે ૧૦૮ વર્ષના છે અને અત્યાર સુધીની લગભગ બધી  ચૂંટણીમાં તેમણે પણ મતદાન કર્યું છે. સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૨૯ શતાયુ મતદારો છે જેમણે મહત્તમ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.

સમગ્ર જિલ્લામાં વિધાનસભા વિસ્તાર વાર જોઈએ તો વિરમગામમાં ૪૩, સાણંદમાં ૨૨, ઘાટલોડિયામાં ૩૫, વેજલપુરમાં ૪૧, વટવામાં ૨૨, એલિસબ્રીજમાં ૮૨, નારણપુરામાં ૫૫, નિકોલમાં ૨૦, નરોડામાં ૨૯, ઠક્કરબાપાનગરમાં ૦૮, બાપુનગરમાં ૪૪, અમરાઈવાડીમાં ૦૭,  તથા દરિયાપુરમાં ૨૯  શાતાયુ મતદારો છે. જ્યારે  ખાડીયા-જમાલપુરમાં ૨૮, મણીનગરમાં ૨૪, દાણીલીમડામાં ૧૫, સાબરમતીમાં  ૩૭, અસારવામાં ૨૧, દસક્રોઈમાં ૨૭, ધોળકામાં ૪૨ તથા ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં ૮૮ શતાયુ મતદારો છે.  આમ સમગ્ર જિલ્લામાં ૧૦૦ અથવા ૧૦૦થી વધુની વયજૂથના ૭૧૯ મતદારો છે. સૌથી વધુ ધંધુકામાં ૮૮ તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં ૦૭ શતાયુ મતદારો છે.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં