મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે જિલ્લાના પ્રજાજનો માટે વિવિધ વિકાસના કામોના લોકર્પણ સહીત મોડાસા શહેરમાં ૬૫ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આઈકોનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નિર્માણ થઈ રહેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટીના રહીશો માટે દોઝખ ભર્યું બની રહ્યું છે.

હાલ મોડાસા અત્યાધુનિક બસ સ્ટેન્ડનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગે બસ સ્ટેન્ડને અડીને આવેલ વૃંદાવન સોસાયટીની પ્રોટેક્શન વોલ તૂટી જતા ૭ થી વધુ મકાનોનો પાછળનો ભાગ જમીનદોસ્ત થતા ગમે તે ઘડીયે ધરાશાયી થવાની દહેશત પેદા થઈ છે. વરસતા વરસાદમાં સોસાયટીના રહીશો ઘર બહાર રાત વિતાવાનો વારો આવ્યો છે. સોસાયટીના રહીશોના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરે પ્રોટેક્શન દીવાલ તૂટી જતા પડેલા ખાડાઓ પુરવા અને નક્કર કાર્યવાહી કરવાનું મુનાસીબ નહીં માનતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ૨ થી ૩ મકાન માલિકો તો ગભરાઈ જઈ મકાનોને તાળા મારી સંબંધીના ઘરે રહેવા મજબુર બન્યા છે.

વૃંદાવન સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે ખાતમુહર્ત થયેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ અમારા માટે અભિશાપ સમાન બની રહ્યું છે. કોન્ટ્રાક્ટરને શરૂઆતમાં જ પ્રોટેક્શન દીવાલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં બેદરકારી દાખવી મનફાવે તેમ ખોદકામ કરતા પ્રોટેક્શન દીવાલ તૂટી જતા ૭ મકાનોના પાછળના ભાગે ભારે નુકશાન થતા આ અંગે નગરપાલિકાના તંત્ર અને ડિઝાસ્ટર તંત્રમાં રજૂઆત કરતા દેખાવપૂર્તિ સ્થળ તપાસ કરી નગરપાલિકા ચીફ ઓફિસર, એન્જીનીયર અને ડિઝાસ્ટર તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરતા હાલ વરસાદ વરસતો હોવાથી ગમે ત્યારે મકાનો ધરાશાયી થવાની અને માલ-જાન ને નુકશાન થશે તો જવાબદારી તંત્રની રહેશેનું રોષ પૂર્વક જણાવ્યું હતું.