મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં વધુ એક રેલવે દુર્ઘટના ઘટવા પામી છે. સીએસટી રેલવે સ્ટેશન પાસે બહારની તરફ આવેલો ફૂટ ઓવર બ્રિજ આજે ગુરુવારે ધરાશાયી થયો છે. આ ઘટનામાં અંદાજીત 6 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 36 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે જે પૈકી ઘણા ઈજાગ્રસ્તોની હાલત ગંભીર બતાવાઈ રહી છે. વી જ ઘટના ગત વર્ષે પણ બની હતી. જીહાં, અંધેરીના જીકે ગોખલે રોડ પર ઓવર બ્રિજ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા હતા.

આ ઘટનામાં 3 મહિલા અપૂર્વા પ્રભુ (35), રંજના તાંબે (40), સારિકા કુલકર્ણી (35) અને ઝાહિદ સિરાજ (32) તથા તપેન્દ્રસિંહ (35) અને એક અન્ય વ્યક્તિ સહિત 6નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 36 જણ ઘાયલ થયા હતા, જેમાંથી અનેકની હાલત ગંભીર છે.ઘાયલોમાં ઘાટકોપરના કપડાના વેપારી દિલીપભાઈ પરીખ (65)નો પણ સમાવેશ થાય છે.

આ ઘટના સીએસટી રેલવે સ્ટેશનની બહાર બની છે. બચાવ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને રેલવેના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ફૂટઓવર બ્રિજ સીએસટી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 ના બીટી લેન પાસે ધરાશાયી થયો છે. નજરે જોનાર લોકોના મતે આ દૂર્ઘટના બની ત્યારે બ્રિજની નીચે ઘણા લોકો અને વાહનો હતા. આ બ્રિજ 30 વર્ષથી પણ જૂનો છે.

અંધેરી પુલ દુર્ઘટના પછી મુંબઈના બધા પુલોનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આ પ્રવાસીઓ અને રાહદારીઓથી સતત ધમધમતા વિસ્તારમાં આ પુલને કેમ આવરી લેવાયો નહોતો એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થયો છે, જે પ્રશાસનની ઘોર બેદરકારી દર્શાવે છે. આ પુલ એક અખબારી કાર્યાલયની ઈમારત નજીક બીટી લેનને સીએસટી પ્લેટફોર્મ નં. 1ના ઉત્તર છેડાને જોડે છે. આ પુલ આમ તો લોખંડનો છે પરંતુ તેનો સ્લેબ કોન્ક્રીટનો હતો, જે કમજોર થઈ ગયો હતો.
મુંબઈના ફુટ ઓવરબ્રિજ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિત પરિવારોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારી પ્રાર્થના છે કે ઈજાગ્રસ્ત લોકો જલ્દીથી ઠીક થઈ જાય. મહારાષ્ટ્ર સરકાર પ્રભાવિત લોકોની દરેક સંભવ સહાયતા પ્રદાન કરી રહી છે.

જોકે ઘટના બનતા ફરી વખત તે જ સવાલ સામે આવીને ઊભો રહ્યો છે કે, વારંવાર બની રહેલી આ ઘટનાઓ માટે આખરે જવાબદાર કોણ?