જયેશ શાહ (મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ) : કચ્છમાં શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં દૂર દેશવરથી પક્ષીઓ આવતા હોય છે. જેને પક્ષીવિદ યાયાવર તરીકે ઓળખતા હોય છે. તેમાંના કુંજ રેસ એટલે કે તે કુળમાં આવતા કરકરા (કોમન ક્રેન) તરીકે ઓળખતા ૫૬ પક્ષીનાં મૃતદેહ કચ્છનાં રણ પ્રદેશમાંથી મળી આવતા પક્ષી પ્રેમીઓ સહિત કચ્છનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આઘાત પામ્યું હતું. શુક્રવારે બપોરે જાણમાં આવેલી આ ઘટનાને પગલે વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પૂર્વ કચ્છનાં રણ વિસ્તારમાં આવેલા બનીયારી ગામમાં દોડી ગયો હતો. આટલી મોટી સંખ્યમાં રૂપકડા એવા વિદેશી પક્ષીઓનાં મોત પાછળ ગઈકાલે કચ્છમાં પડેલો બરફનો વરસાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બરફનાં મોટા કરા પડવાને કારણે ૧૭ પક્ષીઓને તો ગંભીર હાલતમાં વેટરનરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં ઠંડીની મૌસમ દરમિયાન રણ પ્રદેશમાં, ખાસ કરીને છારી ઢંઢમાં આવતા આ પક્ષીઓ કુંજ કૂળનાં એટલે કે રેસના હોવાનું પૂર્વ કચ્છનાં ડિવિજનલ ફોરેસ્ટ ઓફિસર (ડીએફઓ) પ્રવિણસિંહ વિહોલે જણાવ્યું હતું. ડીએફઓ વિહોલે ગુજરાતીમાં કરકરા અને અંગ્રેજીમાં કોમન ક્રેન તરીકે ઓળખાતા આ સાઈબીરિયન પક્ષીઓના મોત પાછળ કચ્છમાં પડેલા બરફનાં વરસાદને જવાબદાર ગણાવ્યો હતો. વિહોલે ઉનેર્યું હતું કે, બરફનાં મોટા કરા વાગવાને કારણે એક તરફ જયાં ૫૬ પક્ષીઓ મરી ગયા છે ત્યાં ૧૭ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. તેમને ભચાઉ ખાતે આવેલા વેટરનરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

સૂત્રોનું માનીએ તો, કચ્છનાં રણ પ્રદેશમાં શુક્રવારે બપોરે બનીયારી ગામનાં એક જ ખેતરમાં મોટી સંખ્યામાં પક્ષીઓનાં મૃતદેહની ખબર પડતાં જ પક્ષીપ્રેમીની સાથે સાથે વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી. અને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

એક લાખથી વધુ પક્ષીઓ તો કચ્છમાં આવી ગયા છે

પૂર્વ કચ્છનાં ડીએફઓ પ્રવિણસિંહ વિહોલે કચ્છમાં શિયાળા દરમિયાન  રશિયા-સાઈબીરિયા જેવા દેશથી આવતા પક્ષીઓ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, કુંજ કુળમાં બે પ્રકારનાં પક્ષીઓ જોવા મળતા હોય છે. જે પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા છે તે કરકરા એટલે કે ક્રેન તરીકે ઓળખાય છે. જયારે બીજા પ્રકારનાં પક્ષીને આપણે સારસ તરીકે ઓળખીએ છીએ. આ પક્ષીઓ રાત્રી દરમિયાન છારી ઢંઢ સહિત આસપાસના પાણીવાળા વિસ્તારમાં રોકાતા હોય છે. અને દિવસ દરમિયાન ખોરાકની શોધમાં નીકળી જતા હોય છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં છારી ઢંઢને બર્ડ વોચ એક્ટિવિટી માટે પ્રવાસીઓમાં હોટ ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં પાકિસ્તાનની સરહદ પાસે આવેલા તગડી બેટ તથા ઇન્ડો પાક બોર્ડરની ઉપર આવેલી ભારતની પોસ્ટ વિઘાકોટથી ૧૯ કિલોમીટર દૂર ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે પથરાયેલા સકુર લેકમાં પણ દર વર્ષે આ પ્રકારના યાયાવર પક્ષીઓનાં ઝુંડ જોવા મળતા હોય છે.