મેરાન્યૂઝ નેટવર્ક.વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ષટતિલા એકાદશી શુભ દિને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને સરધાર સ્વામિનારાયણ મંદિરના મહંત નિત્યસ્વરૂપ સ્વામીના ૫૫ (પંચાવન) પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરીષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંપ્રદાયના ઈતિહાસમાં એક જ ગુરૂના એક સાથે 55 (પંચાવન) પાર્ષદોને આચાર્ય મહારાજે દિક્ષા આપી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી પર પદારૂઢ થયાના 17 વર્ષ દરમિયાન તેમણે 677 ઉપરાંત પાર્ષદોને સંત દિક્ષા આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોષ વદ એકદાશીના શુભ દિને સવારે મંગળા આરતી બાદ સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આસને સરધાર સ્વામિનારાયણ મંદિરના ૫૫ (પંચાવન) પાર્ષદોને દિક્ષા માટે પૂજા વિધિમાં બેઠા હતા. તેઓની સાથે તેઓના ગુરૂ સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી સહિત ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ઘનશ્યામ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પૂજા વિધિ બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પાર્ષદોને યજ્ઞોપવિત, કંઠી પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપી નવુ નામ ધારણ કરાવ્યું હતુ. સૌ પાર્ષદોને ભાગવતી દિક્ષા બાદ  આચાર્ય મહારાજ સૌ સંતો સાથે વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત ધર્મભક્તિ વાસુદેવના દર્શન કરી સભામાં પધાર્યા હતા. આ પ્રસંગે કુંડળધામના જ્ઞાનજીવન સ્વામી દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતું કે નવદિક્ષિત સંતોએ બોલવામાં ખુબ જ ધ્યાન રાખવું જાઈએ, બોલવામાં સુખ છે અને દુઃખ પણ છે. બોલવામાં આનંદ પણ છે અને સમૃદ્ધિ પણ છે. બોલતા આવડતું હોય તો સુખ પણ મળે અને ન આવડે તો દુઃખ પણ મળે. આજે નિત્યસ્વરૂપ સ્વામીના મંડળમાં ૫૫ (પંચાવન) નવદિક્ષિત સંતો જાડાયા છે. જેમાં ૩૫ સંતો સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓ દેશ વિદેશમાં ભગવાનશ્રી હરિના ચરિત્રો ગાઈ મુમુક્ષોને કામ, ક્રોધ, લોભ, માયામાંથી મુક્ત કરાવી ભગવાનમાં પરોવવાનું કાર્ય કરશે. ત્યારે કેટલાક કુટુંબો- મુમુક્ષો સ્વામિનારાયણ ભગવાનના આનંદે આનંદીત થશે. એક જ ગુરૂના ૫૫ પાર્ષદોએ દિક્ષા લીધી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આનંદનો દિવસ છે. જેમાં ઘણા પાર્ષદો ૨૦ વર્ષથી દિક્ષાની રાહ જાઈ રહ્યા હતા. તે આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના છત્રછાયા હેઠળ આચાર્ય રાકેશપ્રસાદના મહારાજના હસ્તે દિક્ષા લઈ સંત બન્યા છે.

આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું હતુ કે વડતાલધામમાં આજે ષટતિલા એકાદશીના શુભ દિને અતિ આનંદ અને દિવ્ય પ્રસંગ અલૌકિક છે. આ ક્ષણની કલ્પના નથી કરી શકતો કે આટલુ સરળ દ્રશ્ય વડતાલમાં જાઈ શકીશું. આજે ગોપાળાનંદ સ્વામી, શ્રી હરિકૃષ્ણ મહારાજના આનંદનો કોઈ પાર નથી.  નિત્યસ્વરૂપ સ્વામીને ભગવાને આપેલ શક્તિ સંપ્રદાયના વિકાસમાં ઉપયોગ કરે અને સત્સંગનો વિકાસ કરે. નિત્યસ્વરૂપ સ્વામીનું મંડળ એ સંપ્રદાયનું બીજા નંબરનું મંડળ છે. તેઓએ 85 હરિ મંદિરો તૈયાર કર્યા છે. હાલમાં ભાવનગર તથા મહુવા ખાતે મંદિરનું કામ ચાલી રહ્યું છે. તેઓએ સંપ્રદાયમાં ખુબ મોટી સેવા કરી છે.

નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતુ કે બધી ઘટના ઈશ્વર આધીન હોય છે. હરિ કરે તે બધુ સારૂ કરે. કરતાહર્તા સ્વયં પરમાત્મા છે. હરિની શ્રેષ્ઠ ઈચ્છા કે હરિભક્તોને કેમ રાજી રાખવા. આપણે તો ઠાકોરજીનું સ્મરણ કરવાનું જેથી ઠાકોરજી આપણને ગમે તેવા સંકટમાં પણ માર્ગ બતાવી આપણાં માર્ગદર્શક બને છે. ઠાકોરજી ઉપર છોડીને જીવન જીવએ તો ખુબ હળવાશથી જીવન જીવી શકાય અને ઠાકોરજીની મરજી પ્રમાણે આજે દિક્ષા વિધિ યોજાઈ છે. આપણે 18 વર્ષો સુધી આમને સામને રહી ખુબ સંર્ઘષ કર્યો પરંતુ એક મેક થયા પછી પણ આજે સંતો, પાર્ષદો દ્વારા કોઈ પણ એવો શબ્દ સાંભળવા નથી મળ્યો કે મનમાં કોઈ શંકા ઉદભવે. અમે એક જ હતાં, એક જ છીએ અને એક જ રહેવાના છીએ.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતુ કે  સંપ્રદાયની શોભા સંતો છે. નવદિક્ષિત સંતોને કહેલ કે આજથી તમારે ગુરૂની આજ્ઞામાં રહેવાનું છે, મોટેરા સંતોએ જે રીત પ્રવર્તાવી છે તે પ્રમાણે તમારે વર્તવાનું છે. નિત્યસ્વરૂપ સ્વામીના મંડળમાં ૫ ગણા સંતોનો ઉમેરો થતાં તેઓની સત્સંગ પ્રવૃત્તિ પણ પાંચ ગણી વધી જશે. હરીની મરજીમાં રહેવું અને સતશાનો નિયમિત અભ્યાસ કરી શ્રીહરિની મૂળ વિચારધારા પ્રમાણે જીવન વિતાવવું. જે નવા સંતોના માતા-પિતાને પોતના પુત્ર રત્નનું દાન કરેલ છે તેવા માતા-પિતાને ખુબ ખુબ અભિનંદન સહ આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે જીગ્નેશદાદાએ જણાવ્યુ હતુ કે આજના ભાગવતી દિક્ષા મહોત્સવમાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનો મને આનંદ છે. મહાપુરૂષોનો આશય થવો તે પરમાત્માની કૃપા છે. જીવનમાં દુઃખ આવે તે આપણો સ્વભાવ અને પ્રકૃતિ છે. અભાવ  અને સ્વભાવ જીવનમાં દુઃખી કરે. પરમાત્માના નામનો આશ્રય લઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. ભાગવતજીમાં કહ્યુ છે કે બીજાના દોષો જાવાનું બંધ કરી આપણે આપણા દોષો જોવા જાઈએ. પરમાત્માના નામનું રસપાન કરીએ ત્યારે મોક્ષ મળે છે. એક એક ક્ષણ ભાગવનની બને ત્યારે ભગવાન મોક્ષનો માર્ગ ખોલી દે છે. આ પ્રસંગે સંપ્રદાયના સંતો, મહંતોએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા.