મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરાઃ ધનસુરા તાલુકામાં પ્રજાજનોની આરોગ્ય લક્ષી સેવાઓ માટે સતત કાર્યશીલ રહેતી ધનસુરા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સરગવા કેરા અમૃત સમાન સંજીવની રૂપી ઔષધીય ગુણથી ભરપૂર વૃક્ષની જનજાગૃતિ થાય તથા રોજબરોજના વપરાશમાં ખોરાકની પદ્ધતિઓમાં સરગવાનો વ્યાપ વધે તે હેતુથી પંચવટી ખાતે “સરગવા વન” અને સરગવા કેરું સ્વર્ગ” અંતર્ગત ૫૦ સરગવાના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, સાબરડેરીના ચેરમેન કાંતિભાઈ પટેલ, ધનસુરા સરપંચ યશવંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી યોગેશ ગોસ્વામી, વનવિભાગના ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી યોગેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરવલ્લી જીલ્લામાં સૌ પ્રથમ ધનસુરામાં “સરગવા કેરું સ્વર્ગ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. સરગવાના બી હૃદયરોગ, ડાયાબિટિઝ જેવા રોગમાં સૌથી ઉત્તમ ફાયદાકારક સાબિત થાય છે, તો સાથે સાથે તેમાં ભરપૂર માત્રામાં ખાસ પ્રકારનું એન્ટિ ઓક્સિડેન્ટ મળી આવે છે. જે કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે.  સરગવાની સીંગોમાં પ્રોટિન, એન્ટિ ડાયાબિટિક તત્વો અને બીજા કેટલાક પોષક તત્વો હોય છે જે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટ્રોલને જમા થતા રોકે છે અને ચોક્કસ કેન્સર અને તેની ગાંઠ થતા પણ રોકે છે. સરગવાનું ભરપૂર સેવન કરવા થી પાંડુરોગ સામે મહિલાઓ સહીત તમામ લોકોને રક્ષિત થઇ શકે છે ધનસુરા તાલુકાના ઘરે ઘરે “સરગવા” નું મહત્વ પણ આગામી દિવસોમાં જનજાગૃતિ રૂપે પહોંચાડવા માં આવશેનું જણાવ્યું હતું.