મેરાન્યૂઝ નેટવર્ક.ખેડા: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.

ગુજરાતમાં દરરોજ માર્ગ અકસ્માતની  ઘટનાઓ બનતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતો હોય છે. આવી જ એક ઘટના મધ્ય ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં બની છે. જ્યાં કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત સર્જાવાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં થયા હતા. અને 108 ને બોલાવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસપણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ લખાય છે ત્યાં સુધી મૃતકોની ઓળખ થઇ નથી.

સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે નિયમનની કામગીરી હાથ ધરી છે. મૃતદેહોને પી.એમ. માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે લક્ઝરી બસ અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેના પગલે કારનો ભુક્કા બોલાઇ ગયા હતા. બીજી તરફ લક્ઝરી બસનો આગળનો ભાગ પણ તૂટી ગયો હતો. કારમાં સવાર લોકોનો કારમાં જ ફસાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ કારનો ઉપરનો ભાગ તોડીને કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.  આ ઘટના અંગે સેવાલિયા પોલીસે ગુનો નોંદીને આગળની કાર્યવાહી હાથધરી છે.