મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ઉન્નાવ ગેંગરેપ અને જમ્મૂ કાશ્મીરમાં કઠુઆ ગેંગરેપ પર દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ 49 નિવૃત્ત અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં બળાત્કારની ઘટનાઓ માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે દુષ્કર્મની આ ઘટનાઓ દર્શાવે છે કે સરકાર પોતાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી છે. આ આપણા દેશનો અંધકાર ભર્યો સમય છે. આ ગુફામાં એટલુ અંધારુ છે કે તેનો બીજો છેડો નથી દેખાતો. આ અંધારાનો (ગુનાખોરીનો) સામનો કરવામાં સરકાર અને રાજકીય પક્ષોએ ખૂબ જ ઓછા અને નબળા પ્રયાસો કર્યા છે.

નિવૃત્ત બ્યુરોક્રેટ્સએ પત્રમાં લખ્યું છે કે આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને પછી હત્યાથી માલૂમ પડે છે કે આપણુ સ્તર કેટલું નીચે ગયુ છે. આઝાદી બાદ આ આપણા દેશનો સૌથી અંધકારમય સમય છે. આ ઘટનાઓ પરથી માલૂમ પડે છે કે આપણી સરકાર, રાજકીય પક્ષો અને તેના નેતાઓ ઘણા નબળા છે. કઠુઆ અને ઉન્નાવની ઘટનાઓ સામાન્ય ગુના નથી કે જે સમયની સાથે ઠીક થઇ જશે. આ ઘટનાઓએ આપણા સામાજીક તાણાવાણાને ઉંડો ઘા વાગ્યો છે. આ આપણા અસ્તિત્વના સંકટનો સમય છે. અમને આશા હતી કે સંવિધાનની રક્ષાના સોગંધલેનાર સરકારના પ્રમુખ હોવાના નાતે આપણ આવી સ્થિતિને સંભાળવા માટે આગળ આવશો. ખાસ કરીને લઘુમતી અને ગરીબ લોકોને ભરોસો આપવામાં આવશે કે તેમનું જીવન અને આઝાદીની રક્ષા થશે. પરંતુ આ આશા પણ તૂટી ગઇ છે. કઠુઆ અને ઉન્નાવની ઘટનાઓ દર્શાવે છે કે જનતાએ જે પાયાની જવાબદારી સરકારને સોંપી હતી તેને નિભાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. આપણો દેશ હંમેશા નૈતિક, આધ્યાત્મિક, સહિષ્ણુતા અને સૌને પ્રેમની સંસ્કૃતિનું મહત્વ દર્શાવે છે અને તેના પર અમને ગર્વ છે. પરંતુ હિન્દુના નામ પર કોઈ બીજા વ્યક્તિ સાથે નિર્દયતા કરવામાં આવે તો તે ઘટના એક મનુષ્યના રૂપમાં આપણે નિષ્ફળ બનાવે છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીને પાંચ ભલામણ કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે.

1 ઉન્નાવ અને કઠુઆ દુષ્કર્મની પીડિતાઓના ઘર જાવ અને તેમની દેશ તરફથી માફી માગો

2 કઠુઆ ગેંગરેપ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તથા ઉન્નાવ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે.

3 હેટ ક્રાઇમના શિકાર મુસ્લિમો, દલિતો અને લઘુમતિ સમુદાયની મહિલાઓ તથા બાળકો માટે ખાસ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ તેમના પર આવનારા જોખમને દૂર કરવામાં રાજ્ય સરકાર સુરક્ષા પુરી પાડે.

4 તે સરકારી કર્મચારીઓને પદ પરથી હટાવવા જોઈએ જેઓ હેટ ક્રાઇમ અને હેટ સ્પીચમાં સામેલ છે.

5 હેટ ક્રાઇમ પર અંકુશ મેળવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે.