મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવારે વહેલી સવારે બે મસ્જિદોમાં કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 40 લોકોનાં મોત થયા છે. પોલીસે 4 લોકોની કરેલી ધરપકડમાં શૂટરની ઓળખ ટ્વીટર દ્વારા બ્રેન્ટન ટેરેન્ટ તરીકે થઇ છે. બ્રેન્ટને આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરવા સાથે શુક્રવારે નમાજ માટે એકઠાં થયેલા 300 લોકો પર ઓપન ફાયર કર્યું હતું. ફેસબુકમાં 17 મિનિટના વીડિયોમાં 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટને 100થી વધુ શોટ્સ ફાયર કર્યા હોવાનું દેખાય છે. 

ન્યુઝીલેન્ડમાં એક સાથે બે મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં મસ્જિદના અલગ અલગ ઓરડાંઓમાં મૃતદેહો જોવા મળે છે. જ્યારે બ્રેન્ટને ફાયરિંગ માટે ઉપયોગમાં લીધેલી સેમી ઓટોમેટિક શોટગન ઉપર ભૂતકાળના સામૂહિક હત્યારાઓ અને શહેરોના નામ લખેલા છે. બ્રેન્ટને કારમાં મિલિટરી સ્ટાઇલ બખ્તર અને હેલમેટ પહેરી 'ચાલો હવે પાર્ટીની શરૂઆત કરીએ' બોલીને લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યુ હતું. તે કારમાં પ્રાદેશિક મિલિટરી ધૂન સાંભળતો મસ્જિદ પહોંચી એક ખૂણાંમાં ઊભો રહયો હતો. આ પછી તેણે કારમાં પડેલી છ ગન્સમાંથી એક ઉઠાવીને મસ્જિદના મુખ્ય દ્વાર સુધી જઈ નમાજ પઢતા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તે ફાયરિંગ કરતાં અંદર સુધી જઈ ઘાયલ થયેલો એક વ્યક્તિ ભાગી રહ્યો હતો તેના ઉપર પણ વધુ બે ગોળીઓ છોડી મારી નાખ્યો હતો.

બ્રેન્ટન વીડિયોમાં આરામથી ગનને રિલોડ કરી લોકો પર ફાયરિંગ કરતો અને અસંખ્ય વખત રિલોડ કરતો જોવા મળે છે. ફાયરિંગ દરમિયાન તેણે જેટલાં પણ ઘાયલ લોકોને જોયાં તેમની ઉપર તેમના મોત ના થાય ત્યાં સુધી ગોળીઓ મારી હતી. બ્રેસ્ટન ટેરેન્ટએ એ મસ્જિદમાં હત્યાકાંડ બાદ બહાર નિકળી વધુ બે લોકો પર ગોળીબાર કર્યો હતો. આ પછી તે કારમાં જઈ શોટગન સ્કેપ્ડ રાઇફલ હાથમાં લઇ ફરીવાર મસ્જિદમાં ગયો હતો. જ્યાં મૃતદેહો ઉપર ચાલીને ઘાયલો ઉપર ફરીથી ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ બાદ બહાર દોડી આવી તેણે મસ્જિદની ફ્રન્ટ લૉનમાં એક વ્યક્તિ દેખાતાં તેના ઉપર ફાયરિંગ કર્યુ હતું. આ સાથે મસ્જિદની બહાર લૉનમાં ચત્તોપાટ પડેલી એક મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. શૂટરે તેની બાજુમાં બેસીને ઠંડા કલેજે તેના માથામાં બે ગોળીઓ મારી હતી. આ આતંકી એ ત્યાર પછી કારમાં બેસીને મહિલાના શરીર પર ગાડી ચલાવી હતી. તો કાર લઇ બહાર નિકળતાં તેણે એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. તેણે 87 પેજનો મેનિફેસ્ટો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.