મેરાન્યૂઝ નેટવર્ક.ઈડરઃ માનવામાં ના આવતું હોય તો ચલો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુરપુર ગામે...મોમીન બાહુલ્ય ધરાવતા સુરપુર ગામની પ્રાથમિક શાળા એક આદર્શ શાળા બની રહી છે. શાળાનુ મકાન અને રાચરચીલુ જોતા કોઇ ના કહી શકે આ શાળા સરકારી શાળા છે. આ શાળામાં પ્રવેશ લેતા જ જાણે કોઇ અલગ વાતાવરણનો અનુભવ થાય છે. આ શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં ૪૬ વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરપુર ગામની આસપાસ ચાર મોટી ખાનગી શાળાઓ છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમો ચાલે છે. આ શાળામાં ઘણા બાળકો તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ છોડી સરકારી શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણવા આવ્યા છે.

વાત કંઈક આમ છે કે, સાબરકાંઠાના ઇડર તાલુકાનુ સુરપુર ગામ.. અહીં ગરીબ-તવંગર જેવા કોઈ પણ ભેદભાવ વિના ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ અપાય છે. આ શાળાની શિક્ષણની ગુણવત્તા આજુ-બાજુના વિસ્તારની ખાનગી શાળાઓ કરતાં વધુ ઉચ્ચ છે. આ શાળામાં હાલ કુલ ૨૪૯ બાળકો છે અને ૮ શિક્ષકો છે. આ શિક્ષકો અને બાળકોએ ભેગા મળીને શાળામાં બગીચો બનાવ્યો છે. આ ગામ સુખી સંપન્ન ગામ છે. આ શાળામાં અમીર-ગરીબના ભેદ વિના તમામ વર્ગના અને ધર્મના બાળકો સાથે અભ્યાસ કરે છે. શાળાની સ્વચ્છતા, શાળાનું વિશાળ પ્રાંગણ છે પણ ક્યાંય કોઇ કચરો કે ગંદકી નહીં. શિક્ષકો બાળકોને શિક્ષણની સાથે સ્વચ્છતા અને પર્યાવરાણના મહત્વનું જ્ઞાન આપે છે. શાળામાં બાળકોને પીવાનું શુધ્ધ અને સ્વચ્છ અને ઠંડુ પાણી મળે તે માટે કુલર સાથે આર.ઓ પ્લાન્ટ છે.

આ શાળામાં બાળકોના માનસિક, શારિરીક વિકાસની સાથે સામાજિક સમરસતા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત  કરવામાં આવે છે. આજના બાળકો માત્ર પુસ્તકિયા જ્ઞાન મેળવીને સિમિત ન રહી જાય પરંતુ તેમની આસપાસ શું – બની રહ્યું છે તેની જાણકારી મેળવે અને જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી શાળામાં પ્રાર્થનાની સાથે સાથે સમાચાર, સુવિચાર, જાણવા-જેવુ, ઘડિયા, સ્પેલીંગ તેમજ મહાપુરુષોના પુસ્તકોની પુસ્તક સમીક્ષા જેવી વિવિધ પ્રવૃતિઓથી શાળાના શિક્ષણની શરૂઆત થાય છે.

આ પ્રવૃતિઓ થકી બાળકોમાં આત્મ વિશ્વાસ કેળવાય છે જ્ઞાનમાં વધારો થાય છે અને તેમની આંતરિક ક્ષમતાઓ બહાર લાવી બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકાય છે.

શાળાના આચાર્ય કકુસિંહ કહે છે કે ગામના વાલીઓ જાગૃત છે, શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને શિક્ષણની ગુણવતા જોઇ આ શાળામાં અભ્યાસની સાથે પોતાના બાળકોનો  સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ શાળામાં પ્રવેશ લીધો છે..આ શાળામાં બે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. જેમના માટે અલગ દિવ્યાંગ શૌચાલય છે સાથે અહી પ્રજ્ઞા વર્ગ પણ ચાલે છે. જ્યાં શિક્ષક ૭-૮ બાળકોનુ ગ્રૃપ બનાવી તેમની પાસે બેસીને શિક્ષણ આપે છે.

રાજ્ય સરકારના દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન,પ્લાસ્ટિક મુક્ત ભારત  જેવા અભિયાનોમાં શાળામાંથી રેલી કાઢી લોક-જાગૃતિનુ સુંદર કામ આ શાળા કરી રહી છે. જેથી ગ્રામજનો દ્રારા પણ શાળાના વિકાસ માટે સંપૂર્ણ આર્થિક અને સામાજિક સહકાર મળી રહે છે. ગ્રામજનો દ્વારા શાળાની આજુ-બાજુમાં આવેલી પોતાની માલિકીની જગ્યાઓ પરથી ઉકરડા લઈ તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શાળાની દિવાલની બહાર વૃક્ષો વાવી શાળાનું વાતાવરણ શુધ્ધ અને સ્વચ્છ રાખવામાં આવે છે.

સુરપુર શાળામાં ગ્રામસહયોગ સમિતિ બનાવામાં આવી છે. જેથી ગ્રામજનો અને શાળા વચ્ચે સંવાદ થાય અને શાળામાં જરૂરી સલાહ સુચન સાથે શિક્ષણનુ સ્તર ઉંચુ આવે અને એક પરિવાર જેવું વાતાવરણ સ્થપાયુ છે. આ સમિતીમાં આવેલ શાળાના દાનને કેવી રીતે ઉપયોગ કરવો જેવા નિર્ણય આ સમિતી જાતે જ લે છે. શાળામાં આવતા જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ, સ્ટેશનરી વગેરે આ સમિતી દ્રારા ઉપલબ્ધ કરાવાય છે.

આ શાળાના બાળકોમાં દેશભક્તિની ભાવના વિકસે અને દેશ ખાતર શહિદ બનેલા વીરજવાનોને હંમેશા યાદ રાખવા માટે અહિં પુલવામાના શહિદ જવાનોની યાદમાં ૪૨ વૃક્ષો વાવી એકશહિદ વનનું નિર્માણ કર્યું છે.