મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્પાઈસ જેટની એરલાઈન્સની સુરતથી મુંબઈની ફ્લાઈટના લેન્ડીંગ દરમિયાન ફ્લાઈટમાં જ 4 મહિનાની રિયા નવીન જિંદાલ નામની બાળકીનું મોત થયું હતું. લેન્ડીંગ વખતે બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી. જેની જાણ ક્રુ મેમ્બરને કરવામાં આવી હતી અને એમ્બ્યૂલન્સ પણ એરપોર્ટ ખાતે બોલાવાઈ હતી. જોકે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે જ બાળકીનું મોત થઈ ગયું હતું.

સ્પાઈસ જેટના અધિકારીના જણાવ્યા પ્રમાણે, સવારના 7.50ના સમયે સુરત એરપોર્ટથી મુંબઈની ફ્લાઈટ ટેકઓફ થઈ હતી. જેમાં 4 મહિનાની બાળકી, તેની માતા અને તેના દાદા-દાદી પણ ફ્લાઈટમાં હતા. દરમિયાન સવારે 8.50 કલાકે ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી. તે વખતે બાળકી રિયા અચાનક બેભાન થઈ ગઈ હતી. તેથી ગભરાયેલી માતાએ તુરંત ક્રૂ મેમ્બરને જાણ કરી તો ક્રૂ મેમ્બરે એટીસીને કહીને એરપોર્ટ પર એમ્બ્યૂલન્સ બોલાવી લીધી હતી. તે વખતે જ્યારે તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

જોકે હાલ બાળકીના મોતનું કારણ સામે આવ્યું નથી. બાળકીને સીપીઆર પણ આપવામાં આવ્યા હતા પરંતુ તેણે તેનો રિસ્પોન્ડ કર્યો ન હતો તેવી વિગતો પણ સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે, માતાએ તબીબને કહ્યું કે તેણે સવારે 5.30 વાગ્યે પુત્રીને ખવડાવ્યું હતું. તે પછી તે સૂઈ ગઈ હતી. જ્યારે પરિવારે જોયું કે બાળકી ફ્લાઈટમાં હલન ચલન કરતી નથી તો તેઓ બાળકીને સૂઈ રહેલી સમજી હતી અને તે વખતે ક્રૂને કોઈ જાણકારી મળી નહીં. તેને નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બાદમાં બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.