મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ અણ્ણા હજારે આજે ગાંધી જયંતીથી ફરી ઉપવાસ પર ઉતર્યા છે. પોતાના વતન રાલેગણ ગામમાં ઉપવાસ શરૂ કરનાર સમાજસેવક અણ્ણા હજારે એ કહ્યું કે, પોતાના પ્રધાનો સલામત રહે તે માટે લોકપાલ નિયુકત નહીં કરી નરેન્દ્ર મોદી બહાનાબાજી કરી રહ્યા છે. જ્યારે રાફેલ વિવાદ અંગે સ્પષ્ટતા કરવા વડાપ્રધાનને લખેલા ૩૪ પત્રમાંથી નરેન્દ્ર મોદીએ એક્પણ પત્રનો જવાબ આપ્યો નથી.

આજે ગાંધી નિર્વાણ દિનથી સમાજ સેવક અણ્ણા હજારે રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર ઉતર્યા છે. લોકપાલ નિયુક્તિના મુખ્ય મુદ્દા સાથે ઉપવાસ શરૂ કરનાર અણ્ણા હજારે એ કહ્યું કે, લોકપાલ હોત તો કદાચ રાફેલનો મુદ્દો ઉપસ્થિત ના થાત. મોદી સરકારને પાંચ વર્ષ થવા આવ્યા હોવા છતાં લોકપાલ નિયુક્તિ અંગે કશું જ કરવામાં આવ્યું નથી.

અન્ય વચનોની જેમ લોકપાલનું વચન પણ ભૂલી ગયા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, લોકપાલની નિયુક્તિ અંગે ખાતરી આપ્યા બાદ મોદી સરકાર બહાનાબાજી કરી રહી છે. લોકપાલ અંગે એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, લોકપાલના કારણે વડાપ્રધાન સહીત કેન્દ્રીય પ્રધાનો સામે પુરાવા મળે તો પગલા ભરી શકાય છે. પરંતુ અત્યારે આવી કોઈ વ્યવસ્થા સિવાય ચાલતા પોલંપોલમાં મોદી સરકાર પોતાના પ્રધાનોને બચાવવા માટે લોકપાલની નિયુક્તિ કરતી નથી.

કેન્દ્ર સરકાર દ્ધારા ખેડૂતોના કલ્યાણ માટે સ્વામીનાથન પંચની એકપણ ભલામણોનો અમલ કરવામાં આવ્યો નહીં હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. પરંતુ માત્ર વાતો કરતી કેન્દ્ર સરકાર દ્ધારા કિસાનોના હિતમાં કોઈ પગલા લેવાયા નથી. અણ્ણા હજારેએ દાવો કરતા કહ્યું કે, માત્ર દેવા માફીથી ખેડૂતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવશે નહીં. પરંતુ સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરીને લોન માફ કરવામાં આવે તો જ ખેડૂતોની આત્મહત્યા અટકશે.