પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ): કેટલીક સારી બાબતોની શરૂઆત કોઈ પણ આયોજન વગર અકસ્માતે સહજ રીતે થઈ જાય તેવું જ કઈક મેરા ન્યૂઝ સાથે થયું આમ તો મીડિયા જગતની આંતરિક બાબતો બહુ ઓછી સામાન્ય માણસ સુધી પહોંચતી હોય છે પણ અમારો પ્રયાસ રહ્યો છે કે શકય એટલી પારદર્શીકતા આપણે આપણી સાથે પણ રાખીએ, આજે મેરા ન્યૂઝ ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્રણ વર્ષની સફરમાં અમારી સાથે અનેક નામી અનામી સાથીઓ અને વાંચકો જોડાયેલા છે, જેમણે અમારી સફરને મુશ્કેલ સ્થિતિમાં પણ આસાન બનાવી છે પણ હવે કઈ રીતે મેરા ન્યૂઝનો જન્મ થયો તેની શરૂઆતથી વાત માંડીએ...

2016નું વર્ષ હતું હું પોતે પણ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. મને કામ મળે તેવા તમામ દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા. મને બરાબર યાદ છે કે ત્યારે ચોમાસાનો સમય હતો અને મારા પત્રકાર મિત્ર અનીલ પુષ્પાગંદનનનો મને ફોન આવ્યો તેણે કહ્યું હું ગાંધીનગરથી અમદાવાદ આવી રહ્યો છું મારે તમને મળવું છે કયાં મળીએ, મેં કહ્યું પીસી પોઈન્ટ, અમદાવાદના નવરંગપુરામાં ગુજરાત યુનિવર્સિટી પાસે એક ચ્હાની કીટલી છે, જ્યાં કલાકારો પ્રોફેશનલ અને પત્રકાર કવિઓનો ભેગા થવાનો અડ્ડો છે જેની પીસી પોઈન્ટના નામે ઓળખાય છે આમ જુઓ તો  સ્ટ્રગલરોનો અડ્ડો જ કહેવાય, ત્રીસ વર્ષ વિવિધ અખબારોમાં કામ કર્યા પછી હું પોતે પણ કામની શોધમાં હતો એટલે સ્ટ્રગલરની કેટગરીમાં જ આવી ગયો હતો.

ધીમો વરસાદ વરસી રહ્યો હતો, હું અને અનીલ મળ્યા તેણે મને કહ્યું મારા એક મિત્ર દિલ્હીના એક પોર્ટલની ફેન્ચાઈઝી લેવા માગે છે આપણે તે પોર્ટલને ગુજરાતના ન્યૂઝ આપવાના રહેશે, હું અત્યંત નિરાશાના મોડમાં હતો. મને ત્યારે અનીલની વાતમાં કોઈ રસ પડી રહ્યો ન્હોતો કારણ કામની સતત શોધને કારણે થાકી ગયો હતો. અનીલ જે પ્રસ્તાવ લઈ આવ્યો હતો તે આગળ વધશે કે નહીં તે અંગે મને શંકા હતી, છતાં મેં તને કહ્યું આપણે તારા મિત્રને મળીશું, થોડા દિવસ પછી હું અનીલના મિત્રને મળવા ગાંધીનગર ગયો, અનીલના મિત્ર પોતાની ઓળખ ખાનગી રાખવા માગતા હતા જેના કારણે હું તેમના નામનો ઉલ્લેખ અહિંયા કરતો નથી. તેમની સાથે મેં વાત કરી કે કઈ રીતે  દિલ્હીના પોર્ટલ સાથે કામ થઈ શકે તેવી વિસ્તારપુર્વક ચર્ચા કરી અને કોઈ પણ પરિણામ વગર અમે છુટા પડયા પછી આવી મુલાકાતોથી અનેક વખત થઈ હું કંટાળી ગયો હતો.

એક દિવસ અનિલનો ફોન આવ્યો  તેણે મને કહ્યું ગાંધીનગર આવો છો, મેં કહ્યું અનીલ આપણે કેટલી બધી વખત મળ્યા પણ વાત આગળ વધતી જ નથી મને લાગે આપણે વાતને છોડી દઈએ, તેણે મને કહ્યું મારા મિત્રએ દિલ્હીના પોર્ટલની વાત પડતી મુકી છે તેમની ઈચ્છા છે કે હવે આપણું પોતાનું જ પોર્ટલ શરૂ કરીએ તમે આવો એટલે હવે પોતાનું ન્યૂઝ પોર્ટલ હોય તેવું આયોજન છે, હું ગાંધીનગર ગયો અનીલના મિત્રએ કહ્યું જુઓ મને પત્રકારત્વમાં રસ  છે માટે હું પોર્ટલમાં રોકાણ કરીશ પણ મારે આ પોર્ટલનો ઉપયોગ કરી મારા ધંધામાં કોઈ ફાયદો  લેવાનો કોઈ ઈરાદો નથી, હું તમારી કામગીરીમાં પણ કોઈ દખલ કરીશ નહીં એટલે મારી વિનંતી છે કે આખા પ્રોજેકટમાં મારૂ નામ કાગળ ઉપર તો નહીં હોય પણ તમારે પણ મારી ઓળખ કોઈને આપવાની નથી.

મને એક વિચિત્ર માલિક સાથે ભેટો થઈ રહ્યો હતો. જે પોર્ટલમાં પૈસા રોકી રહ્યો હતો પણ તેને તેમાંથી કોઈ ફાયદો લેવો ન્હોતો, પોર્ટલના માલિક હોવાનો વટ મારવો ન્હોતો. અમે એક ઉત્તમ પોર્ટલ બનાવી પત્રકારત્વ કરીએ બસ એટલો જ ઈરાદો હતો. પહેલી દ્રષ્ટીએ સાંભળવામાં સારી વાત હતી પણ આવું થઈ શકે તેવું મન માનવા તૈયાર ન્હોતું છતાં મેં મારા વિચારોને હડસેલી કામની શરૂઆત કરી થોડા દિવસમાં મેરા ન્યૂઝ ડોટ કોમ તેવા નામની પસંદગી થઈ અને અમારી ટીમમાં અનીલ પુષ્પાંગદન, ઉર્વીશ પટેલ, મહેલુ જાની, મેહુલ ચૌહાણ, સોનુ સોંલકી, દર્શન પટેલ, જયેશ શાહ, ચિંતન શ્રીપાલી, નિક્સન ભટ્ટ, રાજન ત્રિવેદ્દી, સુનીલ જોષી, રોહન રાકજા, મયુરિકા માયા, કૌસ્તુભ આઠવલે, રાહુલ પટેલ, જય અમીન, નિશા પટેલ, જીવન અને કુલીન પારેખ સહિત અનેક મિત્રો સાથે મળી અમે તા 9 નવેમ્બર 2016ના રોજ ગાંધીનગરના અખબાર ભવનમાં એક નાનકડી શરૂઆત કરી હતી.

ન્યૂઝ પોર્ટલની દુનિયામાં મેહુલ ચૌહાણને બાદ કરતા અમે બધા નવા નિશાળીયા હતા, અમે બધા જ અખબારી પત્રકારત્વની સ્કૂલમાંથી બહાર આવેલા હતા. મારા સાહિત બધા માટે એક નવો અનુભવ હતો, છતાં અમે નવેસરથી પોર્ટલની દુનિયામાં એકડો પાડવાની શરૂઆત કરી હતી, પણ અમને બહુ જલદી અંદાજ આવી ગયો કે પોર્ટલની દુનિયામાં મોટા અખબારો અને જુના ઘણા પ્લેયર છે જો આ રીતે કામ કરીશુ તો આપણે પોર્ટલની દુનિયામાં આપણુ સ્થાન ઊભું કરી શકીશું  નહીં એટલે અમે અમારી મહેનત અને તાકાત વધારી દીધી. મેરા ન્યૂઝ તેના નામ પ્રમાણે ડર અને પક્ષપાત વગર હિંમતથી પોતાના વાંચકોને ધ્યાનમાં રાખી લખવાની શરૂઆત કરી આશ્ચર્ય તે બાબતનું છે કે મેરા ન્યૂઝ શરૂ કરવામાં જેના પૈસા લાગ્યા હતા તે માલિક અખબાર ભવનની ઓફિસમાં કયારેય આવ્યા નહીં અને આ લખજો અને આ લખતા નહીં તેવું આજ સુધી તેમણે  કયારેય કહ્યું નહીં. ‘ખરેખર અમે તમારા કામની દખલ કરીશું નહીં’ તેવું તેમણે આપેલું વચન ખરા અર્થમાં પાળ્યું હતું.

મેરા ન્યૂઝના માલિકો જ્યારે પણ મને મળતા ત્યારે પુછતા હતા. ‘કેવુ ચાલે છે?’ ત્યારે હું તેમને કાયમ કહેતો મેરા ન્યૂઝ તો મારૂ સંતાન છે અને કોઈ પણ પિતાને પોતાનું સંતાન તો રૂપાળુ જ લાગે, તમને મારૂ સંતાન કેવું લાગે છે, ત્યારે તેઓ હસતા હસતા મને કહેતા કે મારા ઘણા મિત્રો મને મેરા ન્યૂઝની લીંક મોકલે છે અને કહે છે આ પોર્ટલના ન્યૂઝ વાંચવા જોવા હોય છે. આ સફર  ભલે સરળ લાગતી હોય પણ એટલી સરળ ન્હોતી, અમે જે રીતે સમાચાર આપી રહ્યા હતા તેના કારણે સરકારમાં બેઠેલી વ્યકિતઓ અને સરકાર સાથે જોડાયેલી વ્યકિતઓનું જેમાં ભાજપ કોંગ્રેસ સહિત બધાનું  નારાજ થવું સ્વભાવીક હતું પણ અમે કોઈને નારાજ કરવા કે કોઈ રાજી કરવા માટે સમાચાર લખતા ન્હોતા. કોઈનું નારાજ અને રાજી થવું બાય પ્રોડકટ હતું. અમને ધમકી મળવા સહિત અમારી ઉપર પોલીસ કેસ પણ થયા પણ દરિયો ખેડવા નિકળો અને મગરની બીક રાખો તો કામ ચાલે તેમ ન્હોતું. પડશે તેવા દેવાશે તે નિતી સાથે સાથે અમે આગળ વધ્યા;

ત્યાર બાદ અમે એક નવો પ્રયોગ કર્યો અમે મેરા ન્યૂઝ અંગ્રેજી પોર્ટલ શરુ કર્યું જેમાં અમારો હિસ્સો બન્યા સિનિયર પત્રકાર દર્શન દેસાઈ,  કુલદીપ તીવારી, નીલ રોડ્રીક, અમિત કાઉપર, સુજીત નામ્બીયાર, હિતેશ ચાવડા પ્રિયંકા રાજપુત, મર્લીન ગૌરે વગેરે જોડાયા આમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મેરા ન્યૂઝની શરૂઆત થઈ અમારા બે વર્ષ બહુ સારી રીતે પસાર થયા અમને કામ કરવાની અને વાંચકોને વાંચવાની બહુ મઝા આવી કારણ અમે આ દરમિયાન સમાચારોની સાથે અનેક ધારાવાહિક પણ આપી હતી, પણ એક અજાણ્યું તોફાન અમારી તરફ આગળ વધી રહ્યું હતું તેનો અમને અંદાજ ન્હોતો પત્રકારત્વની દુનિયામાં મોટો વર્ગ માની રહ્યો હતો કે મેરા ન્યૂઝના માલિક પ્રશાંત દયાળ છે અને અનેક વ્યકિતઓ મને જ માલિક  માની અમારી સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યકત કરી રહી હતી, પણ  હું મેરા ન્યૂઝનો માલિક નથી તે સરકાર સારી રીતે જાણતી હતી.

પત્રકારત્વને કારણે સરકાર તંગ આવી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ જે અમારો હેતું ન્હોતો. અમે સરકાર સામે પણ નથી અને સાથે પણ નથી. તે મોટો સાથે અમે માત્રને માત્ર પત્રકારત્વ કરી રહ્યા હતા. આખરે સરકાર મેરા ન્યૂઝના માલિક કોણ છે તે શોધવામાં સફળ રહી અને માર્ચ 2018માં અચાનક મેરા ન્યૂઝના માલિકો સામે તેમના ધંધા સંબંધે એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાવવા લાગી. જો કે થોડા મહિના તો આ ફરિયાદો શું કામ થઈ રહી છે તેનો અંદાજ આવ્યો નહીં જો કે આ વિકટ સ્થિતિમાં માલિકોએ અમને મધ્યસ્થી કરવાનો તેમજ આ મામલાથી દુર રહેવાની સૂચના આપી, એક પોર્ટલને મદદ કરવાની મોટી કિંમત ચુકવવાની શરૂઆત થઈ માલિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, કોર્ટ કચેરીના ધક્કા શરૂ થયા. જો કે આ દરમિયાન અમારી આર્થિક જરૂરિયાતને કોઈ તકલીફ પડી નહીં, તે દિવસોમાં અનીલ પુષ્પાંગદનની હુંફ મહત્વની હતી.

26 ડિસેમ્બર 2018નો દિવસ હતો, માલિકનો મને ફોન આવ્યો અમદાવાદ એરપોર્ટ પાસે હોટલ તાજમાં આવો, મને લાગ્યું કે કોર્ટના કોઈ કામમાં મારી સલાહ લેવાની હશે. હું હોટલ તાજ ઉપર પહોંચ્યો ત્યારે મેરા ન્યૂઝના માલિક સાથે અનીલ અને ડિરેકટર વિવેક હતા. પહેલા માલિકે બહું સામાન્ય ચર્ચા કરી અને પછી તેમણે ચહેરા ઉપર ભારે પીડા સાથે કહ્યું જુઓ પ્રશાંતભાઈ અમે પૈસા કમાવા માટે મેરા ન્યૂઝ શરૂ કર્યું ન્હોતુ, પણ અમે તેના કારણે કેટલી તકલીફોમાંથી પસાર થયા તેના તમે સાક્ષી રહ્યા છો, હવે વધુ સમય હું આ તકલીફોનો સામનો કરી શકું તેમ નથી. મને લાગે છે આપણે મેરા ન્યૂઝ બંધ કરી દેવું જોઈએ. હું સાંભળતો રહ્યો... એક શબ્દ પણ બોલી શકયો નહીં, પણ મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા મેરા ન્યૂઝ બંધ  કરી દેવાની વાત મારા માટે મોટો આધાત હતો. અત્યારે પત્રકારત્વ જે પ્રકારની પાબંદીઓમાંથી પસાર થઈ રહ્યું છે તેવા દિવસોમાં મેરા ન્યૂઝ લોકો સુધી સાચી વાત લઈ જવાનું ઉત્તમ માધ્યમ હતું પણ હવે તે તક પણ જતી રહેશે તેવો વિચાર ડરાવનારો હતો.

સવાલ માત્ર મારી આજીવીકાનો ન્હોતો, પણ મેરા ન્યૂઝને કારણે ગુજરાતી પત્રકારત્વમાં મુકતપણે લખવાનો અવકાશ ઊભો થયો હતો. તે ગુમાવવાની પીડા હતી. પંદર વીસના સ્ટાફને પૈસા આપી શકું તેવી મારી પાસે કોઈ વ્યવસ્થા ન્હોતી. મારી પાસે માલિક સામે મુકાય તેવો કોઈ પ્રસ્તાવ ન્હોતો, હોટલમાંથી બહાર નિકળતી વખતે મારી સ્થિતિ સમજતા માલિકોએ મને અનેક વખત સોરી કહ્યું. કોઈ માલિકને પણ પીડા થાય તેવો આ પહેલો બનાવ હતો. એક દિવસ તો મેં કોઈ સાથે વાત કરી નહીં. 31 ડિસેમ્બર 2018 મેરા ન્યૂઝનો છેલ્લો દિવસ હતો. મારે મારા સાથીઓને સાચી વાતથી વાકેફ કરવા જરૂરી હતા. મેં મેહુલ ચૌહાણને ફોન કર્યો, મેં કહ્યું 31મી આપણો છેલ્લે દિવસ છે કારણ હવે આપણી પાસે પૈસા નથી. આપણે પોર્ટલ બંધ કરી દેવું પડશે. મને હતું કે મેહુલને આધાત લાગશે પણ તેણે તો રીતસર મારી ઉપર હુમલો કરતો હોય તે રીતે કહ્યું, આવુ ના હોય સાહેબ, મેરા ન્યૂઝ આમ કઈ થોડું બંધ થવા દેવાય, મેં તેને સમજાવતા કહ્યું  ભાઈ પોર્ટલ બંધ થવાનું દુઃખ મને વધારે છે પણ આપણી પાસે પૈસા નથી.

તેણે તરત કહ્યું કઈ વાંધો નહીં પાર્ટ ટાઈમ બીજે કામ કરીશું પણ મેરા ન્યૂઝ તો બંધ નહીં થાય. મેં બીજા સાથી ઉર્વીશ, સોનું, દર્શન બધા સાથે વાત કરી બધાએ એક જ સુરમાં કહ્યું પગારની ચિંતા કરતા નહીં, પૈસા આવે તો આપજો ના આવે તો વગર પગારે કામ કરીશું, મને થયું કોઈ માણસ કામ કરે તો પગાર માટે જ કરે... મારી પચાસ વર્ષની ઉંમરમાં આવું હું પહેલી વખત જોઈ રહ્યો હતો, કે મેરા ન્યૂઝનો સ્ટાફ વગર પગારે કામ કરવા તૈયાર હતો, પણ મારે હવે વ્યૂહ રચના બદલવાની જરૂર હતી, જ્યારે વહાણમાં બોજ વધી જાય ત્યારે વહાણનું વજન ઘટાડવું પડે, પહેલા બે બાબત નક્કી કરવાની હતી કે ઓછા સ્ટાફમાં તે પણ જે વગર પગારે કામ કરવા તૈયાર છે તે પ્રમાણે કેટલા માણસથી કામ ચાલી શકે અને બીજુ બધાએ એક સાથે દુઃખી થવું તે કરતા જેમને બીજી સંસ્થામાં કામ મળે તેમ છે તેમણે ત્યાં જતા રહેવું અને ક્રમશઃ અમે આગળ વધ્યા આજે અમારી ઓફિસનું સુકાન ઉર્વીશ પટેલ, સોનુ સોંલકી અને દર્શન પટેલ સંભાળે છે. તેમણે મને છેલ્લાં 11 મહિનામાં પગાર કયારે થશે તેવું પુછ્યું નથી. જેમ જેમ સગવડ થઈ તેમ તેમ તેમણે લીધા છે. આ ઉપરાંત કુલીન પારેખ, જય અમીન, રાહુલ પટેલ, જયેશ શાહ, જયેશ મેવાડા, સાવન કાનાણી અને નિક્સન ભટ્ટ જેવા સાથીઓ જેવા અનેક મિત્રો વગર પગારે નિયમિત કામ કરે છે. તાજેતરમાં જ દિવાળીના દિવસો સામે આવી રહ્યા હતા ત્યારે મારા મનમાં સતત રંજ હતો, બોનસ તો દુરની વાત પણ મારા સાથીઓને પગાર આપી શકાય તેવી સ્થિતિ પણ ન્હોતી, મારા સાથીઓ પોતાને તો સમજાવી લેશે તેવી મને ખબર હતી પણ પોતાના પરિવારને દિવાળીમાં કેવી રીતે સાચવશે તેની મને ચિંતા હતી. છતાં મારી નાનકડી વ્યવસ્થામાં મેં જે કઈ થઈ શક્યું તે કર્યું દિવાળીમાં અમારા ખીસ્સા ખાલી હતા, છતાં લડવાનો જુસ્સો અકબંધ હતો.

મેરા ન્યૂઝ છેલ્લાં 11 મહિનાથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે પણ તે સંકટ અમને ડરાવી શક્યું નહીં. કારણ અમે એકબીજાની સાથે છીએ અને વાંચકો અમને પ્રેમ કરે છે, મેરા ન્યૂઝના વાંચકને આ 11 મહિના દરમિયાન સમાચારોમાં તેની અસર વર્તાઈ નથી. મને પહેલી વખત સમજાયું કે ગમતું કામ હોય તો રસ્તા નિકળે છે, અમને હરાવવાનો, ડરાવવાના પ્રયત્ન ભરપુર થયા, હું તો એટલું જ કહીશ અમને હરાવી શકાય પણ ડરાવી નહીં. કારણ અમારી પાસે ગુમાવવા જેવું કંઈ નથી. આમ આજે મેરા ન્યૂઝ ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે અમને પ્રેમ કરનાર તમામ વાંચકોનો અમે આભારી છીએ કારણ તમે અમારી હિંમત બની ઊભા રહ્યા છો, અમને આ દરમિયાન જાણી અજાણી મદદો પણ અમને મળી જ્યારે અમારી સ્થિતિ અંગે ગુજરાતના સિનિયર પત્રકાર દિલીપ પટેલ, ઉર્વીશ કોઠારી અને કિરણ કાપુરેને જાણ થઈ ત્યારે તેમણે અમને કહ્યું અમે તમારી સાથે તમારી લડાઈમાં સામેલ છીએ અમે કોઈ પણ વળતરની અપેક્ષા વગર મેરા ન્યૂઝમાં લખીશું આજે તેઓ અમારી ટીમનો હિસ્સો હોવાનું અમને ગૌરવ છે. સાથે જ અમારી ટીમમાં રહેલા ન રહેલા તે તમામના પણ આભારી છીએ. સવાલ આર્થિક સંકડામણનો છે તો મને ઈશ્નરમાં અથાગ શ્રધ્ધા છે, બધી ચિંતા હું કરીશ તો ઈશ્વર શું કરશે, અમારી થોડીક ચિંતા તેને સોંપી દીધી છે. તે કંઈકને કંઈક રસ્તો કરશે, ઈશ્વરને એટલી જ પ્રાર્થના અમે અમારા કામમાં પ્રમાણિક રહી શકીએ એટલી શક્તિ આપજે.

મેરાન્યૂઝના ફેસબુક પેજને લાઈક જરૂર કરજો- https://www.facebook.com/MeraNewsGuj/ , વાંચતા રહેજો, શેર કરજો, તમારા પ્રતિસાદ પણ અમને આપતા રહેજો.