મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે એક્સપ્રેસ ગાડીઓથી મુંબઈ આવી રહેલા ધારાસભ્યો લૂંટ અને ચોરીનો શિકાર બની ગયા છે. મહત્વની વાત એ છે કે આ ત્રણેય ધારાસભ્યો એક્સ્પ્રેસ ટ્રેનના ખાસ એસી ડબ્બામાં હતા. આ સંબંધમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફાઈલ કરાઈ છે. કેસ વિધાનસભામાં ઉઠાવાતા વિધાનસભા અધ્યક્ષ હરી બાગડેએ તેની તપાસના આદેશ આપ્યા છે.

રવિવારે કોંગ્રેસના એક ધારાસભ્ય રાહુલ બોંદ્રેએ બુલઢાણાથી પોતાની પત્ની વૃષાલી બોંદ્રે સાથે મલકાપુર સ્ટેશન પર વિદર્ભ એકસપ્રેસ પકડી સોમવારે સવારે 7 વાગ્યા આસપાસ ધારાસભ્ય બોંદ્રે કલ્યાણ સ્ટેશન પર ઉતરવા માટે તૈયાર હતા. તે દરમિયાન ધારાસભ્યની પત્ની વૃષાલીનું પર્સ છીનવીને ચોર ભાગી ગયો હતો. ધારાસભ્યએ ચોરનો પીછો પણ કર્યો પણ ચોર હાથમાં આવ્યો નહીં. તેમનું કહેવું હતું  તેમની પત્નીના પર્સમાં 26,000 રૂપિયા રોકડ હતી, એટીએમ અને અન્ય કાગળો પણ હતા.

રવિવારે રાત્રે જ શિવસેનાના ધારાસભ્ય સંજય રાયમૂલકર અને શશિકાંત ખેડેકરે જાલનાથી દેવગિરિ એક્સપ્રેસ પકડી હતી. રાયમૂલકર સવારે કલ્યાણમાં સુઈને ઉઠ્યા તો તેમને ખબર પડી કે તેમનો મોબાઈલ અને પર્સ ગાયબ છે. પર્સમાં અંદાજીત રૂ. 10000 હતા. તે ઉપરાંત ખેડેકરનું બેગ પણ ચોરોએ બ્લેડથી કાપી નાખ્યું હતું.

આ તમામ ધારાસભ્યો ખાસ એસી ડબ્બાઓમાં હતા. આ મામલો ધારાસભ્ય બોંદ્રેએ વિધાનસભામાં ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ખાસ કોચમાં સફર કરતાં ધારાસભ્યો ચોરોનો શિકાર બની રહ્યા છે તો સામાન્ય જનતાની શું હાલત હશે. વિધાનસભા અધ્યક્ષ હરી બાગડેએ સરકારને આ મામલાને ધ્યાને લઈ તેની તપાસના નિર્દેશ આપ્યા છે.