મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: શહેરની સર ટી. હોસ્પિટલના તબીબોએ જવલ્લે જ જોવા મળતી બિમારીનું સફળ ઓપરેશન કર્યું હતું. જેમાં સગીરાના આંતરડામાંથી 3 ઈંચ જાડાઈ અને 15 ઇંચ લંબાઈ ધરાવતો વાળનો ગઠ્ઠો કાઢવામાં આવ્યો હતો. ટ્રાઈકોબેઝોઆર નામની આ બિમારીમાં દર્દીના પેટમાં વાળનો ગઠ્ઠો જામી જતો હોય છે. અત્યાર સુધી દુનિયામાં આવા ફક્ત 40 જેટલા કેસો સામે આવ્યા છે. આ કેસના દર્દીઓ સામાન્ય રીતે વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે.

ભાવનગરની એક 11 વર્ષની તરૂણીને આંતરડામાં અટકાવ સાથે અચાનક પેટ ચડી જતાં તેમજ ઊલ્ટીઓ થતાં ભાવનગરની સર.ટી હોસ્પિ.માં દાખલ કરવામાં આવી હતી. જ્યાં અલગ-અલગ તપાસના અંતે તેણીને ટ્રાઈકોબેઝોઆર હોવાનું સામે આવતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાળનો ગઠ્ઠો નિકળ્યો હતો. જો કે હાલ સગીરાની હાલત સ્થિર હોવાનું આ સફળ ઓપરેશન કરનાર હોસ્પિટલના સર્જન ડો.ફિરદૌસ દેખૈયા અને તેમની ટીમે જણાવ્યું હતું. આ ઓપરેશન થકી તબીબો સહિત હોસ્પિટલની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે.

ટ્રાઈકોબેઝોઆર વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આ બિમારી ખૂબ દુર્લભ છે અને બહુ જૂજ જોવા મળે છે. આખી દુનિયામાં 1 ટકાથી ઓછા કેસમાં આ બીમારી હોય છે. અત્યાર સુધીમાં આવા ફક્ત 40 આસપાસ કેસ રિપોર્ટ થયા છે. આવા દર્દીઓ સામાન્ય રીતે 13થી 20 વર્ષના, મુખ્યત્વે સ્ત્રીજાતિના અને લાક્ષણિક રીતે કોઈ માનસિક અસંતુલનથી પીડાતા હોઇ વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે. સામાન્ય રીતે આવા કેસમાં મહત્તમ ગઠ્ઠા હોજરીમાં જોવા મળતા હોય છે. પણ આ કેસમાં નાના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો કઢાયો છે. જે ભાગ્યે જ જોવા મળે છે. જો કે નાના આંતરડા સુધી વાળનો ગઠ્ઠો કંઈ રીતે પહોંચ્યો તે વિજ્ઞાન માટે પણ પડકારરૂપ હોવાનું તેમણે કહ્યું હતું.