મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર:  ગાંધીનગર થી રાજસ્થાનના કુંભલગઢ ફરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાન ના રાજસમંદમાં ઓડા તળાવમાં કાર સહિત ડૂબી ગયા. આ દુર્ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના પરિજનોએ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન ન લાગ્યો. ત્યારબાદ તેઓએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસને મોબાઇલ ફોનના લોકેશનના આધારે દુર્ઘટનાની જાણકારી મેળવી. અમદાવાદ પોલીસે કેલવાડા પોલીસ સ્ટેશનની મદદ માંગી. તેની પર પોલીસ અધિકારી શૈતાન સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેન સહિત ડાઇવર્સની મદદથી તળાવમાં શોધખોળ શરૂ કરી તો બે શબ મળ્યા જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, દિવાળીના બીજા દિવસે અલ્પેશ, રોનક અને મંથન ગાંધીનગરથી સ્વિફ્ટ કારમાં સવાર થઈને નાથદ્વારા  ફરવા રવાના થયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ તેઓ ઉદેયપુર ગયા. અહીંથી તેઓ કુંભલગઢ જવા માટે રવાના થયા. રાજસ્થાન ફરવા ગયેલા ગાંધીનગરના પરિવારની કાર ઉદેયપુરથી કુંભલગઢ જતી વખતે તળાવમાં ડૂબી.

આ દરમિયાન ઓડા તળાવની પાસે તેમની કાર અનિયંત્રિત થઈને તળાવમાં જઈને પડી અને દુર્ઘટના સર્જાઈ. મોડી રાત્રે ઘટનાસ્થળે કેલવાડા અને અમદાવાદ પોલીસની સાથે મોટી સંખ્યામાં ગામના લોકો હાજર હતા. બચાવ ટીમ શબોની શોધખોળમાં લાગી ગઈ હતી. ત્રણેયના મોતના સમાચાર મળતાં જ અમદાવાદથી કેલવાડા પહોંચેલા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.